મુંબઈ
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા મહિલા ક્રિકેટ ટીમના નવા બોલિંગ તથા ફિલ્ડિંગ કોચ માટે આવેદનો મંગાવવામાં આવ્યા છે. ભારતની મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અંગે પણ અંતિમ ર્નિણય લેવાનો બાકી છે.તાજેતરમાં બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચની જવાબદારી કાર્યકારી કોચ નૂશિન અલ ખદીરને સોંપાઈ હતી. બીસીસીઆઈના જણાવ્યા મુજબ નવા બોલિંગ અને ફિલ્ડિંગ કોચનો કાર્યકાળ બે વર્ષનો રહેશે અને તેઓ મુખ્ય કોચને રિપોર્ટ કરશે. અગાઉ થયેલી ચર્ચા મુજબ બોર્ડની ક્રિકેટ સલાહકારી કમિટી (સીએસી) દ્વારા ભૂતપૂર્વ ક્રિકેટર અમોલ મઝુમદારની મુખ્ય કોચ તરીકે નિમણૂંક કરવા ભલામણ કરવામાં આવી હતી. બોલિંગ તેમજ ફિલ્ડિંગ કોચ માટેની લાયકાતમાં જે તે વ્યક્તિએ ભારત તથા અન્ય દેશનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કર્યું હોવું જરૂરી રહેશે. ભારતીય મહિલા ટીમ આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એશિયન ગેમ્સમાં રમશે. ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ એમ ચાર મોખરાની ટીમને ક્વાર્ટરફાઈનલમાં સીધો પ્રવેશ મળ્યો છે.


