મુંબઇ
આરબીઆઇ હવે બેંકોમાં દાવા વગરના પડેલા અબજાે રૂપિયાના માલિકોને શોધવા માટે ૧૦૦ દિવસનું અભિયાન શરૂ કરશે. આ અભિયાનને ૧૦૦ ડેઈઝ-૧૦૦ પેજ નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ દરેક બેંક ૧૦૦ દિવસની અંદર દેશના દરેક જિલ્લામાં ટોચના ૧૦૦ દાવા વગરના થાપણદારોને શોધીને તેની રકમની ચૂકવણી કરશે. આરબીઆઇના આદેશ પર તમામ બેંકો આગામી ૧ જૂનથી આ અભિયાનની શરૂઆત કરશે. નિયમ મુજબ કોઈપણ બચત અથવા ચાલુ ખાતું કે જે ૧૦ વર્ષ સુધી ઓપરેટ ન થતું હોય અથવા ટર્મ ડિપોઝીટ ખાતું જેમાં ૧૦ વર્ષ સુધી કોઈ દાવો ન હોય તો આવા ખાતાઓમાં પડેલી રકમને દાવા વગરની અથવા દાવો ન કરેલી રકમ તરીકે માનવામાં આવે છે. બેંકો પણ આ ગ્રાહકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. જાે કોઈ દાવેદાર ન મળે તો રકમ એક વિશેષ ખાતામાં જતી રહે છે. નાણા પ્રધાન ર્નિમલા સીતારમણે એક મીટિંગ દરમિયાન આ દાવા વગરની રકમ અંગે નિયમનકારોને કહ્યું હતું કે જ્યાં પણ દાવો ન કરેલી રકમ બેંકિંગ શેર, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ અથવા વીમાના રૂપમાં જ્યા પણ રકમ પડી છે તેને નિપટાવવા માટે વિશેષ અભિયાન સંચાલન કરવામાં આવે. આર્થિક બાબતોના સચિવ અજય સેઠનું કહેવું છે કે આવા મામલાઓમાં જ્યાં નામાંકિત વ્યક્તિની માહિતી જાણી શકાતી નથી ત્યાં નિર્ધારિત પ્રક્રિયા હેઠળ પગલાં લેવામાં આવશે. જાહેર ક્ષેત્રની બેંકોમાં લગભગ રૂપિયા ૩૫ હજાર કરોડની રકમ એવી છે જેના પર કોઈએ દાવો કર્યો નથી. સરકારી બેંકોએ આ નાણાં રિઝર્વ બેંકને ટ્રાન્સફર કર્યા છે. આ નાણમાં એસબીઆઇ પાસે ૮,૦૮૬ કરોડ રૂપિયાની રકમ દાવા વગરની છે. આ મામલે પંજાબ નેશનલ બેન્કમાં રૂપિયા ૫,૩૪૦ કરોડ, કેનેરા બેન્કમાં રૂપિયા ૪,૫૫૮ કરોડ અને બેન્ક ઓફ બરોડામાં રૂપિયા ૩,૯૦૪ કરોડની રકમ છે. આરબીઆઇના જણાવ્યા અનુસાર, તમિલનાડુ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની બેંકોમાં સૌથી વધુ દાવા વગરની રકમ જમા છે. આ ઉપરાંત ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં જીવન વીમા કંપનીઓ પાસે રૂપિયા ૨૨,૦૪૩ કરોડ અને બિન-જીવન વીમા કંપનીઓ પાસે રૂપિયા ૧,૨૪૧.૮૧ કરોડની રકમ દાવા વગરની છે. એલઆઇસી પાસે રૂપિયા ૨૧,૫૩૮.૯૩ કરોડની રકમ દાવા વગરની જમા છે.
