Maharashtra

ગદર-૨ની અસર એવી થઇ કે હવે આ બે ફિલ્મોની સીક્વલના ભણકારા વાગી ઉઠ્‌યા

મુંબઈ
ગદર-૨ની ઐતિહાસિક સફળતા પછી સની દેઓલ, જેપી દત્તા અને નિધિ દત્તાએ બોર્ડર-૨ માટેની તૈયારી ચાલુ કરી હોવાનું કહેવાય છે. બોર્ડર-૨ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધની પૃષ્ઠભૂમિમાં બનાવવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત સની દેઓલની અન્ય બ્લોકબસ્ટર ફિલ્મ મા તુજે સલામની સીક્વલની તૈયારીઓ પણ શરૂ થઈ છે. બોર્ડરનો ભારતીય સિનેમાની સૌથી ઐતિહાસિક બ્લોકબસ્ટર્સ ફિલ્મોમાં સમાવેશ થાય છે અને તેની સરળતાથી પાર્ટ-ટુ બનાવી શકાય છે. સની દેઓલ, જેપી દત્તા અને નિધિ દત્તાની ટીમ છેલ્લા ૨-૩ વર્ષથી બોર્ડરની સિક્વલ બનાવવાની સંભાવના વિશે ચર્ચા કરી રહી છે અને હવે તેને આખરી ઓપ અપાયો છે. આ ટીમ એક પખવાડિયામાં બોર્ડર-૨ની સત્તાવાર જાહેરાત કરવા માટે તૈયાર છે. ટીમે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધની કહાની નક્કી કરી છે. આ કહાની હજુ સુધી મોટા પડદા પર આવી નથી. જેપી દત્તા અને નિધિ દત્તાએ બાર્ડર ૨ માટે એક ટોચના સ્ટુડિયો સાથે મંત્રણા શરૂ કરી છે. બોર્ડર-૨માં સન્ની દેઓલની સાથે નવી જનરેશનના કેટલાક એક્ટર્સ પણ હશે. જાે કે તમામ કલાકારોને રીપિટ કરાશે નહીં. ૧૯૯૭માં રિલીઝ થયેલી બોર્ડર ઉપરાંત ૨૦૦૨માં આવેલી ‘મા તુજે સલામ’ની સીક્વલે પણ ઉત્સુકતા જગાવી છે. ફિલ્મના ટાઈટલ એનાઉન્સમેન્ટ પોસ્ટર સાથે તેનો આઈકોનિક ડાયલોગ પણ યાદ કરાયો છે. ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને રવિવારે સોશિયલ મીડિયા પર ‘મા તુજે સલામ’ ૨નું પોસ્ટર શેર કર્યું હતું. તેમણે ફિલ્મના જૂના ડાયલોગને નવી સ્ટાઈલમાં રજૂ કર્યો છે. અગાઉ ડાયલોગ હતો, દૂધ માંગોગે ખીર દેંગે, કાશ્મીર માંગોગે તો ચીર દેંગે. નવી ફિલ્મમાં ડાયલોગ થોડો બદલવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે, દૂધ માંગોગે તો ખીર દેંગે, કાશ્મીર માંગોગે તો લાહોર ભી છીન લેંગે. ‘મા તુજે સલામ’ ફિલ્મની સીક્વલ તો કન્ફર્મ થઈ છે, પરંતુ તેની સ્ટારકાસ્ટ અંગે ખુલાસો થયો નથી. તેમાં સની દેઓલની સાથે તબુ અને અરબાઝ ખાન હતા. સીક્વલની સ્ટારકાસ્ટ અંગે હજુ સસ્પેન્સ છે ત્યારે સની દેઓલે આ અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, હાલ તેમનું ફોકસ ગદર ૨ પર છે. નવી કોઈ ફિલ્મ સાઈન કરી નથી. ટૂંક સમયમાં તેઓ એક સ્પેશિયલ એનાઉન્સમેન્ટ કરશે. સનીનો આડકતરો ઈશારો નવા પ્રોજેક્ટ તરફ હોવાની શક્યતા છે. જેથી ગદરની જેમ સનીની અન્ય હિટ ફિલ્મોની સીક્વલ અંગે આગામી સમયમાં સત્તાવાર જાહેરાતની શક્યતા વધી છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *