મુંબઈ
ભારતના પૂર્વ ક્રિકેટર સુધીર નાઈકનું મુંબઈમાં નિધન થયું છે. તેઓ ૭૮ વર્ષના હતા અને તેમની એક પુત્રી છે જે ઑસ્ટ્રેલિયામાં રહે છે. નાઈકને થોડા સમય પહેલાં ઘરમાં પડી ગયા બાદ માથામાં ઈજા પહોંચી હતી જેના કારણે તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાયા તહા. ભારતે ૧૯૭૪માં લીડસમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની પહેલી વન-ડે મેચ રમી હતી. આ મેચમાં સુધીર નાઈકે લિટલ માસ્ટર બ્લાસ્ટર સુનિલ ગાવસ્કર સાથે ઓપનિંગ બેટિંગ કરી હતી. તેમણે વન-ડેમાં ભારત વતી પહેલો ચોગ્ગો લગાવ્યો હતો. તેઓ પીચ ક્યુરેટર પણ રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૧ના વર્લ્ડકપમાં વાનખેડેની પીચ તૈયાર કરી હતી. ભારત-શ્રીલંકા વચ્ચે આ મેદાન ઉપર જ ફાઈનલ રમાયો હતો જેમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. સુધીર નાઈકે ૭૦ના દશકામાં ભારત માટે ત્રણ ટેસ્ટ અને બે વન-ડે રમી હતી. આ ઓપનર બેટરે છ ઈનિંગમાં ૧૪૧ રન બનાવ્યા હતા. તેમણે ૧૯૭૪માં બર્મિંઘમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ડેબ્યુ ટેસ્ટની બીજી ઈનિંગમાં ૭૭ રન બનાવ્યા હતા જે તેમનો સર્વોચ્ચ સ્કોર હતો. તેમણે અંતિમ ટેસ્ટ ૧૯૭૫માં વિન્ડિઝ વિરુદ્ધ ઈડન ગાર્ડનમાં રમ્યો હતો. નાઈક મુંબઈના પૂર્વ કેપ્ટન પણ હતા અને તેમણે ૧૯૭૧માં રણજી ટ્રોફીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ વેળાએ સુનિલ ગાવસ્કર, અજિત વાડેકર સહિતના મુંબઈના મોટાભાગના દિગ્ગજાે વિન્ડિઝ પ્રવાસે હતા અને તેમણે શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો હતો. નાઈક લાંબા સમય સુધી વાનખેડે સ્ટેડિયમના મુખ્ય પીચ ક્યુરેટર પણ રહ્યા હતા. બીસીસીઆઈના પૂર્વ અધિકારી પ્રોફેસર રત્નાકર શેટ્ટીએ સુધીર નાઈકના નિધન પર કહ્યું કે હું આ સમાચાર સાંભળી દુઃખી અને સ્તબ્ધ છું. તેમણે દેશનું પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત રમતમાં ઘણું જ યોગદાન આપ્યું છે. તેમણે મુંબઈ પસંદગી સમિતિના પ્રમુખ તરીકે કામ કર્યું છે અને મુંબઈ ક્રિકેટ એસોસિએશનની મેનેજમેન્ટ સમિતિનો પણ હિસ્સો રહ્યા છે.


