Maharashtra

મહારાષ્ટ્રના સંભાજીનગર અને જલગાંવમાં બે સમુદાયો વચ્ચે અથડામણ

મુંબઇ
મહારાષ્ટ્રના સંભાજીનગર બાદ જલગાંવમાંથી પણ બે જૂથ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે. એક જ સમયે મસ્જિદમાં નમાઝ દરમિયાન બહાર મ્યુઝિક વગાડવાના કારણે થયેલી અથડામણમાં ૪ લોકો ઘાયલ પણ થયા હતા. સમગ્ર ઘટનાને લઈ પોલીસ વિભાગ ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળે પાળ્યો હતો. પોલસ કાર્યવાહીના ભાગરૂપે આ ઘટનામાં ૪૫ જેટલા લોકોની ધરપકડ પણ કરી હતી. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની સાથે જ જલગાંવ જિલ્લામાં પણ બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. નમાઝ દરમિયાન મસ્જીદની બહાર સંગીત વગાડવાને કારણે મસ્જિદમાં આ સંગીતનો અવાજ વધી ગયો હતો. આ મામલામાં અત્યાર સુધીમાં ૪ લોકો ઘાયલ થયા છે. પોલીસે બે એફઆઈઆર નોંધી છે. મહત્વનું છે કે આ ઘટનામાં ૪૫ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ આ બાબતને લઈ ઘટના સ્થળે પહોંચતા પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.આ ઘટના ૨૮ માર્ચે જલગાંવમાં બની હતી. જલગાંવ ઉપરાંત છત્રપતિ સંભાજીનગરમાં પણ રાત્રે બે વાગ્યાની આસપાસ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. કિરાડપુરા વિસ્તારમાં બેકાબુ ટોળાએ પોલીસના વાહનો સહિત અનેક ખાનગી વાહનોને પણ સળગાવી દીધા હતા. કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો થયો હતો. એકઠા થયેલા બેકાબુ ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ગોળીબાર કરવો પડ્યો અને ટીયર ગેસનો ઉપયોગ પણ કરવો પડ્યો હતો. રામનવમીના તહેવાર દરમિયાન કિરાડપુરામાં રામ મંદિર પાસે કેટલાક યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી પથ્થરમારો શરૂ થયો. વાત વધીને તોડફોડ અને આગચંપી સુધી પહોંચી અને પોલીસનું વાહન પણ સળગાવી દેવામાં આવ્યું. આ દરમિયાન પોલીસે મામલો શાંત પાડવા માટે ફાયરિંગ અને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. લાંબી જહેમત બાદ પોલીસને પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. પોલીસ કમિશનર નિખિલ ગુપ્તાએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. સાથે જણાવ્યું હતું કે શહેરમાં હાલ શાંતિ છે. પોલીસે કિરાડપુરા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ વધારી દીધો છે. સાથે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. જનતાને ધીરજ અને શાંતિ જાળવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.આ ઘટના સ્થળના દરેક ખૂણે-ખૂણે પોલીસ દળ પણ તૈનાત કરી દેવમાં આવ્યું છે. પોલીસ કમિશનરે ખાતરી આપી છે કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. આ મામલે ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું, કોઈએ વિક્ષેપ ઉભો કરવાનો પ્રયાસ ન કરવો જાેઈએ. પોલીસ પોતાનું કામ કરી રહી છે. આ દરમિયાન વિસ્તારના સાંસદ અને એમઆઇએમ નેતા ઈમ્તિયાઝ જલીલે પણ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેણે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે હું હાલમાં રામ મંદિરમાં ઉભો છું. અહીં કોઈ ભૂલ કરવામાં આવી નથી. મંદિરમાં થોડી હલચલ છે. જાે કોઈ અફવા ફેલાવે છે, તો તેના પર ધ્યાન ન આપો. મંદિરની બહાર કેટલાક વાહનોને નુકસાન થયું છે પરંતુ મંદિરમાં કોઈ ગરબડ કરવામાં આવી નથી. હું દરેકને હાથ જાેડીને વિનંતી કરું છું કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે.ઠાકરે જૂથના નેતા અને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ તણાવ માટે એમઆઈએમના સાંસદ ઈમ્તિયાઝ જલીલને જવાબદાર ઠેરવ્યા હતા. ઠાકરે જૂથના નેતા ચંદ્રકાંત ખૈરેએ કહ્યું કે આ ઇમ્તિયાઝ જલીલ અને ભાજપની મિલીભગતથી થયું છે. જ્યારથી ઇમ્તિયાઝ જલીલ સાંસદ બન્યા છે ત્યારથી અહીં અશાંતિ વધી છે. જ્યારે સંજય રાઉતે તેને શિંદે-ફડણવીસ સરકારની સંપૂર્ણ નિષ્ફળતા ગણાવી છે. તેમણે પૂછ્યું છે કે રાજ્યમાં ગૃહમંત્રી છે કે નહીં? જયારે મહારાષ્ટ્રના સંભાજી નગરમાં બુધવારે મોડી રાત્રે એક મંદિરની બહાર બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બાદમાં આ હંગામો એટલો વધી ગયો કે બંને તરફથી મારામારી અને પથ્થરમારો શરૂ થઈ ગયો. આ ઘટનામાં અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હળવો બળપ્રયોગ કરીને બંને પક્ષના લોકોને વિખેરવા અને શાંતિ જાળવી રાખી હતી.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *