બાલાસોર,
ઓડિશાના બાલાસોર જિલ્લાના ચંદનેશ્વરમાં આવેલ યૂનિયન બેન્કની એક શાખામાંથી હથિયારધારી બદમાશોની એક ટોળકીએ ધોળાદિવસે ધાડ પાડી હતી. જ્યાં તેઓ ૩૦થી ૪૦ લાખ રૂપિયા લૂંટીને લઈ ગયા હતા. પ્રાથમિક જાણકારી અનુસાર, બેન્ક લૂંટની ઘટનામાં લગભગ ૭થી ૮ બદમાશો સામેલ હતા. આ ઘટના બપોરે લગભગ ૧.૨૦ કલાકે થઈ હતી. તમામ બદમાશો ગ્રાહકો બનીને બેન્કમાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે, હથિયારબંધ બદમાશોએ બેન્કના તમામ કર્મચારીઓને એક રુમમાં બંધ કરી રોકડ અને સોનાના ઘરેણાં લૂંટી લીધા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ આવી પહોંચી અને લોકર રુમ ખોલીને બેન્ક કર્મચારીઓને છોડાવ્યા હતા. જલેશ્વર એસડીપીઓ અને ચંદનેશ્વર પોલીસ અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરુ કરી દીધી છે. આશંકા છે કે, બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યા બાદ પશ્ચિમ બંગાળ તરફ ભાગ્યા હતા.