ભુવનેશ્વર-સંબલપુર
ઓડિશાના હિંસાગ્રસ્ત સંબલપુર જિલ્લા વહીવટીતંત્રે મંગળવારે સવારે ૧૦ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓનું સસ્પેન્શન લંબાવ્યું છે. અહીં હનુમાન જયંતિ પર થયેલી હિંસા બાદ વહીવટીતંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હિંસાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૮૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાેકે, ‘પરિસ્થિતિમાં સુધાર’ને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે કર્ફ્યુના સમયમાં રાહત આપી છે. કર્ફ્યુમાં રાહત આપ્યા બાદ લોકો સવારે ૭.૩૦ થી ૧૧.૩૦ અને બપોરે ૩.૩૦ થી ૬.૦૦ સુધી નિયમિત કામ માટે ઘરની બહાર નીકળી શકશે. અગાઉ, લોકો સવારે ૮.૩૦ થી ૧૧ અને બપોરે ૩.૩૦ થી ૫.૩૦ સુધી તેમના ઘરની બહાર નીકળી શકતા હતા. સંબલપુર જિલ્લા મેજિસ્ટ્રેટ અનાયા દાસે કહ્યું કે, ગૃહ વિભાગે મંગળવારે સવારે ૧૦ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત રાખવાનો ર્નિણય લીધો છે. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં હનુમાન જયંતિ પર કાઢવામાં આવેલી ‘બાઈક રેલી’ દરમિયાન થયેલી હિંસા બાદ ૧૩ એપ્રિલથી ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે, જેથી સોશિયલ મીડિયા પર કોઈપણ વાંધાજનક અથવા ભડકાઉ મેસેજને ફેલાવતા અટકાવી શકાય. દરમિયાન, હનુમાન જયંતિની ઉજવણી દરમિયાન સંબલપુરમાં થયેલી હિંસાના સંબંધમાં પોલીસે વધુ છ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં કુલ ૮૫ લોકોની ધરપકડ કરી છે. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સુનીલ કે. બંસલે કહ્યું કે, શહેરમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, અને તેમને ખાતરી છે કે, બે દિવસમાં કર્ફ્યુ હટાવી લેવામાં આવશે.