અમૃતસર
દુબઈથી ઈન્ડિગોની ફ્લાઈટ અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ એક મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા મુસાફરની ઓળખ જલંધરના કોટલી ગામના રહેવાસી રાજીન્દર સિંહ તરીકે થઈ છે. સિક્યુરિટી મેનેજરની ફરિયાદ બાદ પોલીસ સ્ટેશન રાજાસાંસી દ્વારા પણ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, દુબઈથી અમૃતસર પહોંચેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર ૬ઈ ૧૪૨૮માં આ ઘટના બની હતી. દુબઈથી આ ફ્લાઈટમાં રાજીન્દર સિંહ બેઠો હતો. તેણે ફ્લાઈટમાં જ દારૂ પીવાનું શરૂ કર્યું. વધુ પડતા નશાને કારણે રાજીન્દર સિંહ તેના ભાનમાં હતો નહીં. ઈન્ડિગો એરલાઈન્સના આસિસ્ટન્ટ સિક્યોરિટી મેનેજર અજય કુમારે પોલીસને આપેલી ફરિયાદ મુજબ, ફ્લાઇટ દરમિયાન આરોપીએ દારૂ પીને મહિલા ક્રૂ મેમ્બરની છેડતી કરી અને બબાલ પણ કરી હતી. પોલીસે આસિસ્ટન્ટ સિક્યુરિટી મેનેજર અજય કુમારની ફરિયાદના આધારે કાર્યવાહી કરી હતી. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૫૪ અને ૫૦૯ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.