જયપુર
રાજસ્થાનમાં હાલ હિજાબનો વિવાદ જાેવા મળી રહ્યો છે. અહીં જયપુરની રાજસ્થાન કોલેજમાં એસઇટીની પરીક્ષા આપવા આવેલી ઘણી વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને ગેટ પર અટકાવી દેવામાં આવી હતી. મામલો સામે આવ્યા બાદ વિવિધ વિદ્યાર્થી સંગઠનો ઉપરાંત મુસ્લિમ સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. મામલો બે દિવસ પહેલાનો છે. આ અંગે જયપુર પોલીસને પણ જાણ કરવામાં આવી છે. જાે કે હજુ સુધી પોલીસે આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી. માહિતી મુજબ,જયપુરની રાજસ્થાન કોલેજમાં સોમવારે એસઇટીની પરીક્ષા લેવામાં આવી હતી. આ માટે પરીક્ષાર્થીઓ પણ નિયત સમયે સેન્ટર પર પહોંચી ગયા હતા, પરંતુ કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવી હતી. આવી સ્થિતિમાં સેન્ટરના ગેટ પર ચેકિંગ કરી રહેલા સ્ટાફે આ વિદ્યાર્થિનીઓને ગેટ પર જ રોકી હતી અને હિજાબ ઉતારવા કહ્યુ હતુ. આ બાબતે વિદ્યાર્થિનીઓ અને મેનેજમેન્ટ વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ કોલેજ મેનેજમેન્ટના કડક વલણને કારણે આ વિદ્યાર્થીનીઓએ પરત ફરવુ પડ્યુ હતુ. આ પછી આ વિદ્યાર્થિનીઓ અને તેમના સમર્થકોએ સોશિયલ મીડિયા પર કોલેજ મેનેજમેન્ટનો વિરોધ શરૂ કરી દીધો છે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે તેમને આ પરીક્ષા માટે એડમિટ કાર્ડ મળી ગયા છે. ક્યાંય એવું નથી લખ્યું કે હિજાબ પહેરીને ન આવવુ. છતા પણ કોલેજ મેનેજમેન્ટે હિજાબ પહેરીને આવેલી તે તમામ વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપ્યો ન હતો. મજબૂરીમાં આ તમામ વિદ્યાર્થિનીઓને પરીક્ષા આપ્યા વિના જ સેન્ટર પરથી પરત ફરવું પડ્યું હતું. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે આ મૌખિક આદેશ અંગે તેઓએ કેન્દ્ર સંચાલકને મળવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કેન્દ્ર સંચાલકે તેમને મળવાની ના પાડી હતી. જણાવી દઈએ કે હિજાબનો વિવાદ ગયા વર્ષે કર્ણાટકથી શરૂ થયો હતો. આ પછી દેશના અલગ-અલગ ભાગોમાં આવી અનેક ઘટનાઓ પણ બની છે