જયપુર
રાજસ્થાનમાં આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસના ચિંતનશિબિરનો આજે બીજાે દિવસ હતો. મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસની છાવણીમાં પોતાના ચાર વર્ષના કામનું પ્રેઝન્ટેશન આપ્યો હતો ત્યારે બીજી તરફ સચિન પાયલટ ખેડૂત સંમેલન યોજવાની સાથે ગેહલોત પર સવાલો ઉઠાવી રહ્યા છે. નાગૌરની કિસાન રેલીમાં સચિન પાયલોટનું સમગ્ર ધ્યાન યુવાનો અને ખેડૂતો પર હતું જ્યારે નિશાન ભાજપ પર હતું પરંતુ ઈશારામાં સચિન પાયલટે પેપર લીક કેસના બહાને અશોક ગેહલોતની સરકારને ઘેરી હતી. સચિન પાયલટે કહ્યું કે, જ્યારે પેપર લીક થાય છે ત્યારે મહેનતુ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારની નિરાશાને જાેઈ નથી શકાતી. તેમણે કહ્યું કે સરકાર નાના દલાલોને પકડી રહી છે તેનાથી કામ નહીં ચાલે મોટી માછલીઓ પર કાર્યવાહી થવી જાેઈએ. ગેહલોતના ચિંતન શિબિરમાં તેમના ઘણા મંત્રીઓ પણ પહોંચ્યા ન હતા. જે સમયે અશોક ગેહલોત જયપુરમાં ચિંતન કરી રહ્યા હતા તે સમયે સચિન પાયલટ નાગૌરમાં કિસાન સંમેલન યોજી રહ્યા હતા અને અશોક ગેહલોતના મંત્રી હેમારામ પણ મંચ પરથી સચિન પાયલટની સાથે યુવાનોને નેતૃત્વ આપવાની માંગ કરી રહ્યા હતા. જ્યારે ગેહલોતને ખબર પડી કે સચિન પાયલટની રેલીમાં હેમારામ પણ હાજર છે તો તેમને તરત જ જયપુર બોલાવવામાં આવ્યા. હેમારામે સચિન પાયલટની રેલીમાં ગેહલોત વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. પાર્ટીએ આ અંગે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધો છે. નાગૌરમાં કિસાન સંમેલનને સંબોધતા પાયલટે કહ્યું કે, યુવાનોના ભવિષ્યની ચિંતા અમને બધાને છે. તેમણે કહ્યું કે, આપણા રાજ્યમાં જ્યારે પેપર લીક થાય, પરીક્ષા રદ થાય તો મનને દુઃખ થાય છે. લાખો યુવાનો દ્વારા પરીક્ષાની તૈયારીનો ઉલ્લેખ કરતા પાયલોટે કહ્યું કે જ્યારે ગરીબ યુવક ગામમાં તૈયારી કરે છે ત્યારે તેના માતા-પિતા અને તેના પરિવારને ઘણી સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પુસ્તકો માટે પૈસા ભેગા કરવા માટે તે દિવસ-રાત મહેનત કરે છે. તેમણે કહ્યું કે ગામડાના યુવાનો પ્રતિકૂળ સંજાેગોમાં અભ્યાસ કરીને પરીક્ષાની તૈયારી કરે છે પરંતુ જ્યારે આવી ઘટના સામે આવે છે ત્યારે હૃદયને ઠેસ પહોંચે છે. બીજી તરફ જયપુરમાં મુખ્યમંત્રી ગેહલોતે પેપર લીક મામલે કહ્યું કે, રાજસ્થાન પહેલું રાજ્ય છે જ્યાં કાયદાના દાયરામાં પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેહલોત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવા માટે અહીં આયોજિત બે દિવસીય ચિંતન શિબિરની અધ્યક્ષતા કરી રહ્યા હતા. બેઠક બાદ જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદન પ્રમાણે ગેહલોતે અધિકારીઓને પેપર લીકમાં સામેલ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
