ઉતરપ્રદેશ
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં ગુરુવારે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. એક ફુલ સ્પીડે આવી રહેલી કાર રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતાં પોલીસે ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ બાંદાના ડીએમ દુર્ગા શક્તિ નાગપાલ પણ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોના ખબરઅંતર પૂછ્યા છે. આ દર્દનાક અકસ્માત બાબેરુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાંદા-કમાસીન રોડ પર થયો હતો. ગુરુવારે મોડી રાત્રે આઠ લોકો એક ગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા હતા. બાંદા-કમાસીન રોડ પર તેમની કાર રોડની પાસે ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કરનો જાેરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. લોકોએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી અને ગાડીમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ટક્કર બાદ ગાડીને એટલી ખરાબ રીતે નુકસાન થયું હતું કે એક પણ ઈજાગ્રસ્તને બહાર કાઢી શકાયો ન હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કટરથી કારનો દરવાજાે કાપીને ઈજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ૭ લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એકની સારવાર ચાલી રહી છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ ડીએમ દુર્ગા શક્તિ નાગપાલ અને એસપી અભિનંદન પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની તપાસ કરી. ડીએમ દુર્ગા શક્તિ નાગપાલે જણાવ્યું કે ઘાયલને પહેલા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર હાલતને જાેતા તેને બાંદા મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો છે.