મેરઠ
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે રાત્રે બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં છ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના હરિનગર વિસ્તારમાં બે સમુદાયના લોકો વચ્ચેના ઝઘડાથી શરૂ થયેલો મામલો પથ્થરમારા બાદ ફાયરિંગમાં ફેરવાઈ ગયો હતો. પોલીસે કહ્યું કે બે સમુદાયનો મામલો હોવાથી અફવાઓ ઝડપથી ફેલાઈ અને થોડી જ વારમાં પરિસ્થિતિ તંગ બની ગઈ. સ્થિતિને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં હાલ મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા વરિષ્ઠ પોલીસ અધિક્ષક રોહિત સિંહ સજવાને જણાવ્યુ હતુ કે,દારૂ પીધા બાદ બે યુવકો હોલિકા દહન માટે દાન એકત્ર કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય સમાજના યુવકે કોમેન્ટ કરી હતી. જે બાદ બંને વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી પર ઉતરી આવ્યા. યુવકના પાડોશીઓના કારણે પરિવારની મહિલાઓ પણ ઝઘડામાં ઉભી થઇ હતી. બંને તરફથી પથ્થરમારો થતા મામલો ઉગ્ર બન્યો હતો. માહિતી મુજબ હાલ સ્થિતિ કાબૂમાં છે, તેમજ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. એસપી સિટી પીયૂષ કુમારે જણાવ્યું હતુ કે આ ઘટનામાં અંકિત નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનુ તેમણે જણાવ્યુ છે. પથ્થરમારો કરનારા આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
