કેનેડા
કેનેડાથી ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરવાની વધુ એક ઘટના સામે આવી છે, આ વખતે કુલ ૮ લોકોના મોતની ખબર આવી છે જેમાં ૪ લોકો ગુજરાતના હોવાની વિગતો મળી રહી છે. સેન્ટ લોરેન્સ નદી પાર કરતી વખતે બોટ પલટી જતા દુર્ઘટના સર્જાઈ હતી જેના કારણે તેમાં સવાર લોકોના મોત થયા હતા. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મૃતક પરિવાર મૂળ મહેસાણાનો હોવાનું બહાર આવી રહ્યું છે. બોટ પલટીની વિગતો મળ્યા બાદ રેસ્ક્યુ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને જે દરમિયાન નદીમાંથી મૃતદેહો મળી આવ્યા હતા. આ મૃતકોમાં મહેસાણાના ચૌધરી પરિવારનો સમાવેશ થાય છે. બુધવારે રાત્રે પશ્ચિમ કેનેડામાં ન્યૂયોર્ક બોર્ડર પાસે ક્યુબેકમાં સર્જાયેલી દુર્ઘટનામાં કુલ ૮ના મોત થઈ ગયા છે. જેમાં ગુરુવારે તપાસ દરમિયાન ૬ મૃતદેહ અને પછી શુક્રવારે વધુ ૨ મૃતદેહ મળી આવ્યા હોવાના રિપોર્ટ્સ છે. હવે આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. કેનેડા પોલીસ દ્વારા મૃતકોના નામ જણાવવામાં આવ્યા છે તેમાં પ્રવીણભાઈ ચૌધરી (૫૦), પુત્ર મિત ચૌધરી (૨૦), પુત્રી, વિધિ ચૌધરી (૨૪)નો સમાવેશ થાય છે. મળતી વિગતો પ્રમાણે ગેરકાયદેસર રીતે નદી માર્ગે કેનેડાથી અમેરિકા જઈ રહેલા પરિવારમાં એક મહેસાણાનો પરિવાર હતો જ્યારે અન્ય પરિવાર રોમાનિયાનો હતો. હવે આ કેસમાં મહેસાણા તથા કેનેડાની સ્થાનિક પોલીસની તપાસ દરમિયાન અન્ય કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ પહેલા ડિંગુચા પરિવારની સાથે બનેલી ઘટના બાદ અમેરિકા કેનેડાની સાથે ભારત અને ગુજરાતની પોલીસે તપાસ કરી હતી. એ દરમિયાન ગેરકાયદેસર રીતે કેનેડાથી અમેરિકામાં જવાની કોશિશ કરતી વખતે પરિવાર બરફમાં ફસાઈ જવાના કારણે મોતને ભેટ્યો હતો.