International

તુર્કીમાં ભૂકંપના ૧૪૭ કલાક પછી કાટમાળમાંથી ૧૦ વર્ષીય દીકરી જીવતી મળી

અંકારા
૬ ફેબ્રુઆરીએ તુર્કી-સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ બચાવકર્મીઓ હજારો ધરાશાયી ઈમારતોના કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણ-પૂર્વીય તુર્કી અને ઉત્તર સીરિયામાં આવેલા બે વિનાશક ભૂકંપના ૧૪૭ કલાક પછી ૧૦ વર્ષની છોકરી ક્યુડીને રવિવારે સવારે અંતાક્યામાં બચાવી લેવામાં આવી હતી. ઈસ્તાંબુલ મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટી દ્વારા બહાર પાડવામાં આવેલા ફૂટેજમાં કુડીને બચાવ એકમો દ્વારા કાપવામાં આવેલા છિદ્રમાંથી બહાર કાઢવામાં આવી હતી અને પછી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી હતી. તુર્કી અને સીરિયાના સરહદી વિસ્તારમાં આવેલા પ્રચંડ ભૂકંપમાં મૃત્યુઆંક ૨૮,૦૦૦ને વટાવી ગયો છે. અહીં બચાવકર્તાઓએ શનિવારે ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળમાંથી એક પરિવાર સહિત અનેક જીવિત લોકોને બહાર કાઢ્યા હતા. ધ એસોસિએટેડ પ્રેસ દ્વારા કેપ્ચર કરાયેલા ફૂટેજમાં ૪૫ વર્ષીય સેવગી કોલાકને ગયા સોમવારના ૭.૮ તીવ્રતાના ભૂકંપના ૧૩૫ કલાક પછી ધરાશાયી થયેલી ઈમારતમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. ઈસ્તાંબુલ મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટી દ્વારા શેર કરાયેલા અન્ય ફૂટેજમાં ૭ વર્ષની ઈસરા તહલ્મીને ૧૩૬ કલાક પછી કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્યમાં રહેલી ખામીઓને કારણે તુર્કી સરકાર સામે લોકોનો રોષ વધી રહ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પણ સ્વીકાર્યું હતું કે, રસ્તાઓ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વ્યાપક નુકસાનને કારણે પ્રારંભિક પ્રતિસાદમાં અવરોધ આવ્યો હતો અને તેને કારણે કેટલાક સ્થળોએ પહોંચવું મુશ્કેલ બન્યું હતું. તુર્કી અને સીરિયામાં ૨૪ વર્ષ બાદ આવો જીવલેણ ભૂકંપ આવ્યો છે. અગાઉ ૧૯૯૯માં ઉત્તર-પશ્ચિમ તુર્કીમાં ભૂકંપના કારણે તબાહી સર્જાઈ હતી. તેમાં ૧૭,૦૦૦ લોકો માર્યા ગયા હતા. ૨૦૨૩ના ભૂકંપથી હજારો ઈમારતોને ભારે નુકસાન થયું છે. જાનહાનિમાં વધુ વધારો થવાની ધારણા છે. કારણ કે, બચાવકર્તા હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધી રહ્યા છે. આ પછી પણ તુર્કીમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ભૂકંપ બાદ અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ આફ્ટરશોક્સ આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *