International

રશિયાના રાજદૂતે કહ્યું- પાકિસ્તાન માટે ભારત સાથે સબંધ ખરાબ કરીશું નહિં, ચીન પર પણ કહી મોટી વાત

વોશિગ્ટન
પાકિસ્તાનના કારણે રશિયા તેના પ્રિય મિત્ર ભારત સાથેના સંબંધો બગાડવા માંગતું નથી. નવી દિલ્હીમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ભારત અને પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતની ખાતર રશિયાએ પાકિસ્તાન સાથેના પોતાના સંરક્ષણ સંબંધો તોડી નાખ્યા છે. ડેનિસ અલીપોવે વધુમાં કહ્યું છે કે રશિયા ક્યારેય એવું કંઈ નહીં કરે જેનાથી ભારતને નુકસાન થાય. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવનું આ નિવેદન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવના પાકિસ્તાન અંગેના નિવેદન બાદ આવ્યું છે. તે નિવેદનમાં સર્ગેઈ લવરોવે કહ્યું હતું કે, રશિયા નિયમિત સૈન્ય ગતિવિધિઓમાં પાકિસ્તાનને સમર્થન આપવાનું ચાલુ રાખશે. આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ રશિયા પહોંચ્યા હતા. આ મુલાકાત પાછળ બિલાવલનો ઉદ્દેશ્ય પાકિસ્તાન અને રશિયા વચ્ચે સંરક્ષણ અને વેપાર સંબંધોને મજબૂત કરવાનો હતો. નવી દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અલીપોવે રશિયા અને ભારત વચ્ચેના તેલ વેપાર અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ક્રૂડ ઓઈલ પર પશ્ચિમી દેશોની પ્રાઇસ કેપ છતાં રશિયા ભારતને ઓઈલ સપ્લાય કરવાનું ચાલુ રાખશે. આ સાથે તમામ પ્રકારની નિકાસનું સ્તર જળવાઈ રહેશે. રશિયાએ કહ્યું કે તે ભારત સાથેના સંબંધોમાં વિવિધતા લાવવા માંગે છે. રશિયાના રાજદૂતે વધુમાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો કોઈની વિરુદ્ધ નથી, પરંતુ બંનેની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે છે. રશિયાના રાજદૂતે ભારત અને ચીનના સંબંધો પર પણ નિવેદન આપ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે રશિયા ઈચ્છે છે કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સામાન્ય બને. રશિયન રાજદૂતે કહ્યું કે તે માત્ર એશિયાઈ સુરક્ષાના દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં પણ વધુ સારું છે.રશિયન રાજદૂતે વધુમાં કહ્યું કે તેઓ સમજે છે કે આમાં ઘણા અવરોધો છે. બંને દેશો વચ્ચે સરહદની સમસ્યા છે, જે ઘણી જટિલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *