ઈરાન
બે ઈસ્લામિક દેશો જે એક સમયે જાણીતા દુશ્મન હતા તે ઈરાન અને ઈરાક વચ્ચે એક ઐતિહાસિક સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, ઈરાને કહ્યું છે કે અમે કુર્દિશ બળવાખોરોને નિઃશસ્ત્ર કરવા અને તેમના પુનર્વસન માટે ઈરાક સાથે કરાર પર સહમત થયા છીએ. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસેર કાનાનીએ કહ્યું છે કે, સરકારે ૧૯ સપ્ટેમ્બર સુધીમાં ઉત્તરી ઈરાકના કુર્દિશ ક્ષેત્રમાં આતંકવાદી અને અલગતાવાદી જૂથોને નિઃશસ્ત્ર કરવા માટે પ્રતિબદ્ધ છે. નાસિર કાનાનીએ કહ્યું છે કે, ઇરાક અર્ધ-સ્વાયત્ત ક્ષેત્રમાં કુર્દિશ વિદ્રોહી જૂથો દ્વારા ચલાવવામાં આવતા અડ્ડા બંધ કરવા માટે સંમત છે. કાનાણીએ જણાવ્યું છે કે હવે તેના સભ્યોને અન્ય કેમ્પમાં મોકલવામાં આવશે. જાેકે, તેમણે કેમ્પના સ્થળો વિશે કોઈ માહિતી આપી નથી. કાનાણીએ સ્પષ્ટ કર્યું છે કે ૧૯ સપ્ટેમ્બર પછી કોઈ સમયમર્યાદા વધારવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે ઈરાન લાંબા સમયથી કુર્દિશ જૂથોની ગતિવિધિઓ પર ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. કેટલાક જૂથો ઈરાનના ઉત્તર-પશ્ચિમ કુર્દિસ્તાન પ્રાંતને અલગ કરવાની હાકલ કરે છે, જે ઈરાકની સરહદે છે. કુર્દિશ વસ્તી પશ્ચિમ ઈરાન, ઉત્તરી ઈરાક, ઉત્તરપૂર્વ સીરિયા અને દક્ષિણપૂર્વ તુર્કીના મોટા પ્રમાણમાં પર્વતીય વિસ્તારોમાં રહે છે. કેટલાક કુર્દિશ તો નવા રાષ્ટ્રની સ્થાપના માટે કહે છે. જણાવી દઈએ કે ૨૨ વર્ષીય ઈરાની કુર્દ મહસા અમીની ગયા વર્ષે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામી હતી. આ પછી સમગ્ર ઈરાનમાં વિરોધ થયો હતો. દરમિયાન, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર) એ ઉત્તરી ઇરાકમાં કુર્દિશ બળવાખોર જૂથો પર ઘાતક હવાઈ હુમલા કર્યા હતા. ઈરાને, કુર્દિશ જૂથો પર આતંકવાદી કામગીરી કરવા અને રમખાણોને વેગ આપવા માટે દેશમાં શસ્ત્રો અને લોકોની દાણચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. ઈરાન આ અંગે કાર્યવાહી કરવા ઈરાક પર સતત દબાણ કરી રહ્યું છે. નાસિર કાનાણીએ કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે ઈરાક સરકાર સાથેના અમારા મૈત્રીપૂર્ણ, ભાઈચારાના અને પડોશી સંબંધોના આધારે પરસ્પર સંબંધોના વાતાવરણમાંથી આ કાળો ડાઘ ભૂંસાઈ જશે.
