હમ્બનટોટા
પ્રથમ વન-ડેમાં પાક. સામે ૨૦૨ રનના ટારગેટનો પીછો કરતા ૫૯ રનમાં જ ખખડી જતા અફઘાનિસ્તાન ટીમનો કંગાળ પરાજય થયો હતો. આ સાથે જ પાક.એ ત્રણ વન-ડેની શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ મેળવી હતી. ગુરુવારે બીજી વન-ડેમાં અફઘાનિસ્તાને વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ છેલ્લી ઓવરનો એક બોલ બાકી હતો ત્યારે પાક.ની એક વિકેટે રોમાંચક જીત થઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટે ૩૦૦ રન ખડક્યા હતા. રહેમાનુલ્લાહ ગુરબાઝ ઝંઝાવાતી ૧૫૧ રનની ઈનિંગ્સ રમતા પ્રથમ વિકેટ માટે ઝાદરાન (૮૦) સાથે ૨૨૭ રનની ભાગીદારી કરી હતી. જવાબમાં પાક.એ ૪૯.૫ ઓવરમાં નવ વિકેટે લક્ષ્ય પ્રાપ્ત કરી લેતા વિજય થયો હતો.ઈમામે ૯૧ રને જ્યારે બાબરે (૫૩)અડધી સદી નોંધાવી હતી. પાકિસ્તાનને અંતિમ ઓવરમાં જીત માટે ૧૧ રનની જરૂર હતી. ફારૂકીએ શાદાબ (૪૮)ને પ્રથમ બોલ ફેંકતા અગાઉ નોન-સ્ટ્રાઈક એન્ડ પર રન આઉટ કર્યો હતો. ત્યારબાદ નસીમે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બીજા બોલ ડોટ રહેતા ત્રીજા બોલ પર એક રન અને ચોથા બોલ પર રઉફે ત્રણ રન દોડ્યા હતા. બે બોલમાં જીત માટે ત્રણ રનની જરૂર હતી ત્યારે નસીમે વિજયી ચોગ્ગો ફટકારીને અફઘાન ટીમના હાથમાંથી જીતની બીજી છીનવી લીધી હતી.

