ઓકલેન્ડ
ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ પોતાના કોચિંગ સ્ટાફને વધારે મજબૂત બનાવતા ભૂતપૂર્વ ક્રિકેટર સ્ટિફન ફ્લેમિંગ, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર્સ ઇયાન બેલ અને જેમ્સ ફોસ્ટરને કોચિંગ સ્ટાફના સામેલ કર્યા હતા. સ્ટિફન ફ્લેમિંગ ભૂતપૂર્વ વિકેટકીપર જેમ્સ ફોસ્ટર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કોચિંગનો અનુભવ ધરાવે છે. જે પાંચમી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને કામ લાગી શકે છે. સ્ટિફન ફ્લેમિંગ છેલ્લા એક દાયકાથી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સંકળાયેલો છે અને આ દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીની ટીમે પાંચ વખત આઇપીએલ ટાઇટલ જીત્યું છે. તે અત્યારે ઇંગ્લેન્ડના યોજાનારી ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં સધર્ન બ્રેવની ટીમ સાથે કોચ તરીકે સંકળાયેલો છે અને ત્યાર બાદ ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ સાથે જાેડાઈ જશે. ન્યૂઝીલેન્ડની ટીમના હેડ કોચ ગેરી સ્ટેડે જણાવ્યું હતું કે મારા મતે ખેલાડીઓ માટે ફ્લેમિંગની હાજરી મહત્વપૂર્ણ બની રહેશે અને તેના આગમનથી ટીમનો સપોર્ટ સ્ટાફ પણ મજબૂત બનશે. તેની પાસે ભારતમાં ક્રિકેટ અંગે અદભૂત જ્ઞાન છે અને તેની માહિતી અમારા માટે લાભકારક પુરવાર થઈ શકે છે. આઇપીએલના પ્રારંભથી જ તે આ ટુર્નામેન્ટ સાથે સંકળાયેલો છે જેને કારણે ભારતમાં કોચિંગ અંગે તેની પાસે અસામાન્ય માહિતી છે. તેની પાસે રહેલી ભારત અંગેની માહિતીના એકાદ બે ટકા પણ તમને મળશે તો તેનાથી મેચના પરિણામ પર ફરક પડી શકે છે તેમ કહીને સ્ટેડે ઉમેર્યું હતું કે જરૂર પડશે ત્યારે તમે તેના અનુભવનો થોડો હિસ્સો પણ પ્રાપ્ત કરશો તો તેની મોટી અસર પડી શકે તેમ છે. બીજી તરફ જેમ્સ ફોસ્ટર હાલમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમનો આસિસ્ટન્ટ કોચ છે. ફોસ્ટર વર્ષ દરમિયાન વિશ્વની ઘણી બધી ટી૨૦ લીગમાં કોચિંગ આપતો રહે છે. વર્લ્ડ કપ માટેની ન્યૂઝીલેન્ડની ટીમ સાથે જાેડાતાં અગાઉ તે કિવિ ટીમ સાથે ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં પણ રહેશે. આ જ રીતે ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન ઇયાન બેલ પણ ન્યૂઝીલેન્ડની ટીમ સાથે ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં જાેડાશે અને ત્યાર બાદ વર્લ્ડ કપમાં પણ ટીમની સાથે રહેશે.

