દુબઈ
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગુરુવારે ત્રિનિદાદના તરૌબા ખાતે રમાયેલી પ્રથમ ટી૨૦ ક્રિકેટ મેચમાં ધીમા ઓવર રેટ માટે બંને ટીમ પર આઇસીસીએ પેનલ્ટી લાદી દીધી હતી. પાંચ મેચની ટી૨૦ સિરીઝની પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝનો ચાર રનથી વિજય થયો હતો. ગુરુવારે રાત્રે રમાયેલી મેચમાં નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકવા બદલ ભારતીય ટીમ પર પાંચ ટકાની પેનલ્ટી લાદવામાં આવી હતી જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ તેના નિર્ઘારિત સમયમાં બે ઓવર પાછળ રહી હતી અને તેને દસ ટકાની રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તમામ એલાઉન્સ ધ્યાનમાં લીધા બાદ ભારત એક ઓવર અને વેસ્ટ ઇન્ડિઝ બે ઓવર પાછળ રહ્યું હતું. આમ આઇસીસીની મેચ રેફરીની પેનલના સદસ્ય રિચી રિચર્ડસને પેનલ્ટી લાદવાનો ર્નિણય લીધો હતો. આઇસીસીની આચારસંહિતા મુજબ ટીમ જ્યારે પર્યાપ્ત ઓવર ફેંકવામાં નિષ્ફળ રહે ત્યારે ટીમના તમામ ખેલાડી પર ઓવરદીઠ પાંચ ટકાની મેચ ફીની રકમની પેનલ્ટી લાદવામાં આવતી હોય છે. આઇસીસીની યાદી મુજબ બંને ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને રોવમેન પોવેલે સુનાવણી દરમિયાન પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે હાલમાં પાંચ મેચની ટી૨૦ સિરીઝ રમાઈ રહી છે જેમાં પ્રથમ મેચ જીતીને વેસ્ટ ઇન્ડિઝ ૧-૦ની સરસાઈ પર છે.


