કોલંબો
ઈમર્જિંગ એશિયા કપની ફાઈનલમાં યશ ઢુલના નેતૃત્વ હેઠળની ભારત-એ ટીમનો પાકિસ્તાન-એ સામે ૧૨૮ રને પરાજય થયો હતો. ભારત સામે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન-એ તૈયબ તાહિરના ૧૦૮ રનની મદદથી ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૩૫૨ રન કર્યા હતા. જવાબમાં ઈન્ડિયા-એ ૪૦ ઓવરમાં ૨૨૪ રનમાં ઓલ આઉટ થઈ જતા પાકિસ્તાન-એ સળંગ બીજા વર્ષે ઈમર્જિંગ એશિયા કપમાં ચેમ્પિયન બન્યું હતું. ભારત-એનો ટુર્નામેન્ટમાં આ સૌપ્રથમ પરાજય રહ્યો હતો. પાક.ના ૩૫૩ રનના ટારગેટનો પીછો કરવા ઉતરેલી ભારત-એ ટીમમાંથી અભિષેક શર્માએ સર્વાધિક ૬૧ રન નોંધાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન યશ ઢુલે ૪૧ બોલમાં ૩૯ રન ફટકાર્યા હતા. આમને બાદ કરતા ભારતીય ટીમનો અન્ય કોઈપણ બેટ્સમેન ૩૦થી વધુ રન કરી શક્યો નહતો. પાકિસ્તાન-એ તરફથી સુફિયાન મુકીને ત્રણ વિકેટ જ્યારે મેહરાન મુમતાઝે બે, અરશદ ઈકબાદસ મુબાસિર ખાન અને મોહમ્મદ વસીમ જુનિયરે એક-એક વિકેટ ઝડપી હતી. આ મેચમાં ખરાબ અમ્પાયરિંગની ટીકા પણ થઈ હતી. ભારતના બેટ્સમેન સાઈ સુદર્શનને નો-બોલ પર કેચ આઉટ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિકિન જાેશનો કેચ થાઈ પેડ પર બોલ લાગીને કરવામાં આવ્યો હોવા છતાં તેને કોટ બિહાઈન્ડ આઉટ જાહેર કરાયો હતો. અમ્પાયરના આ ખરાબ ર્નિણયને પગલે ભારતને નુકસાન થયું હતું. ટોસ જીતીને ભારતે ફિલ્ડિંગ લીધી હતી. પાક.ના ઓપનર સૈયમ અયુબ (૫૯) અને સાહિબઝાદા ફરહાને (૬૫) મજબૂત શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે ૧૨૧ રનની ભાગીદારી નોંધાવી હતી. મેન ઓફ ધ મેચ તૈયબ તાહિરે ૭૧ બોલમાં ૧૨ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૧૦૮ રન ફટકારીને પાક. માટે મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. ભારત તરફથી હંગાર્ગેકર અને પરાગે બે-બે જ્યારે હર્ષિત, માનવ અને નિશાંતે એક-એક વિકેટ મેળવી હતી.
