ડબલિન
ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ત્રીજી અને ઔપચારિક ટી૨૦ વરસાદને પગલે ધોવાઈ ગઈ હતી. આ સાથે જ ભારતે આયર્લેન્ડ સામે ૨-૦થી ટી૨૦ શ્રેણી જીતી લીધી હતી. ભારતીય ટીમમાં પુનરાગમન કરનાર જસપ્રિત બુમરાહને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ત્રીજી ટી૨૦માં વરસાદનું વિઘ્ન નડતાં ટોસ પણ થઈ શક્યો નહતો. નિર્ધારિત સમય મર્યાદામાં વરસાદે વિરામ લીધો હતો પરંતુ ગ્રાઉન્ડમાં પાણી ભરાતા એક પણ બોલ ફેંક્યા વગર મેચ રદ્દ કરવાની ફરજ પડી હતી. સિરીઝમાં પ્રથમ ટી૨૦માં પણ વરસાદ પડતાં ડીએલએસ મેથડને આધારે ર્નિણય લેવાયો હતો અને ફક્ત બીજી ટી૨૦માં સંપૂર્ણ રમત શક્ય બની હતી. ભારતીય સુકાની જસપ્રિત બુમરાહને વિજેતાની ટ્રોફી આપવામાં આવી હતી જે તેણે રિન્કુ સિંઘ સહિતના યુવા ખેલાડીઓને સોંપતા ભારતીય ટીમના ખેલાડીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ભારતે અગાઉ આયર્લેન્ડ સામે પ્રથમ ટી૨૦ ડીએલએસને આધારે બે રનથી જીતી હતી ત્યારબાદ બીજી ટી૨૦માં ભારતનો ૩૩ રને વિજય થયો હતો. ઈસરો દ્વારા બુઘવારે ચંદ્રના દક્ષિણ ભાગમાં ચંદ્રયાનના લેન્ડર તથા રોવરનું સફળ ઉતરાણ કરાવવામાં આવ્યું હતું. આયર્લેન્ડમાં ટી૨૦ શ્રેણી રમવા પહોંચેલી ટીમ ઈન્ડિયા પણ આ ઐતિહાસિક પળની સાક્ષી બની હતી. ભારતીય ટીમના ખેલાડીઓએ માલાહાઈડ ખાતે સ્ટેડિયમમાં ટીવી પર આ ગૌરવશાળી પળને નિહાળી હતી અને તેમણે ઈસરોની સિદ્ધીને બિરદાવી હતી. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં આયર્લેન્ડમાં ટીમ ઈન્ડિયા ટીવી પર ચંદ્રયાન-૩ના કવરેજને નિહાળી રહી હોવાનું જણાય છે. ભારત ચંદ્ર પર યાનને પહોંચાડનાર ચોથો દેશ બન્યો છે. ટોચના ક્રિકેટર્સે પણ આ ઉપલબ્ધિને વધાવી હતી. દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે જણાવ્યું કે, ઈસરો ભારતના શ્રેષ્ઠનું પ્રતિનિધિત્વ કરે છે. નમ્ર, મહેનતુ પુરૂષ અને સ્ત્રીઓએ સંયુક્ત રીતે પડકારોનો સામનો કરીને આપણા તિરંગાને ઊંચે ફરકાવ્યો છે.

