International

UN રિપોર્ટમાં સામે આવ્યા આંકડા, હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો ભારત

ન્યુયોર્ક
ભારત હવે દુનિયામાં સૌથી વધુ વસ્તીવાળો દેશ બની ગયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં ભારત ચીનની વસ્તીથી આગળ નિકળી ગયાના સમાચાર આવ્યા હતા, પરંતુ હવે સંયુક્ત રાષ્ટ્રએ આ વાત પર મહોર લગાવી દીધી છે. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષના આંકડા પ્રમાણે ભારતની વસ્તી હાલ ચીનના મુકાબલે ૨૯ લાખ વધુ છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે ભારતે ચીનને જનસંખ્યાના મામલામાં ક્યારે પાછળ છોડ્યું છે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના રિપોર્ટ પ્રમાણે દુનિયાની વસ્તી હવે ૮ અબજથી વધુ થઈ ગઈ છે. જનસંખ્યા કોષના રિપોર્ટનું શીર્ષક ‘હવે અજબો જિંદગીઓ, અનંત સંભાવનાઓ છે.’ સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ પ્રમાણે ભારતની વસ્તી હવે ૧ અબજ ૪૨ કરોડ ૮૬ લાખ છે, તો ચીનની વસ્તી હવે ૧ અબજ ૪૨ કરોડ ૫૭ લાખ છે. આ રીતે બંને દેશોની વસ્તીમાં ૨૯ લાખનું અંતર આવી ગયું છે. ૧૯૫૦થી સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યાનો આંકડો રાખે છે અને ત્યારથી આ પ્રથમવાર છે, જ્યારે ભારતે વસ્તીના મામલામાં ચીનને પાછળ છોડી દીધુ છે. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષના મીડિયા સલાહકાર અન્ના જેફરીઝે જણાવ્યુ- હાં તે સ્પષ્ટ નથી કે ભારતે ચીનને ક્યારે પાછળ છોડ્યું છે. હકીકતમાં બંને દેશો વચ્ચે સીધી રીતે તુલના કરવી મુશ્કેલ છે કારણ કે બંને દેશોના ડેટા કલેક્શનમાં થોડું અંતર છે. તેમણે કહ્યું કે આ રિપોર્ટથી સ્પષ્ટ છે કે ચીનની જનસંખ્યાનું લેવલ પાછલા વર્ષે પીક પર પહોંચી ગયું હતું અને હવે તેમાં ઘટાડો થવા લાગ્યો છે. તો ભારતની વસ્તી હાલ વધારાની દિશામાં છે. પરંતુ ભારતની પણ વસ્તીનો ગ્રોથ રેટ ૧૯૮૦ બાદ ઘટાડા તરફ છે. તેનો મતલબ તે થયો કે ભારતમાં વસ્તી તો વધી રહી છે પરંતુ તેનો દર પહેલાના મુકાબલે ઓછો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની ૨૫ ટકા વસ્તી ૦થી ૧૪ વર્ષ વચ્ચેની છે. આ સિવાય ૧૮ ટકા લોકો ૧૦થી ૧૯ વર્ષ વચ્ચેના છે. તો ૧૦થી ૨૪ વર્ષ સુધીના લોકોની સંખ્યા ૨૬ ટકા જેટલી છે. દેશમાં ૬૮ ટકા વસ્તીની ઉંમર ૧૫થી ૬૪ વર્ષ છે. તો ૭ ટકા લોકોની ઉંમમર ૬૫ વર્ષથી વધુ છે. તો ચીનમાં ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી ૧૪ ટકા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના લોકોનું આયુષ્ય ભારતના મુકાબલે સારૂ છે. ચીનમાં મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૮૨ વર્ષ છે અને પુરૂષોનું ૭૬ વર્ષ છે. આ સિવાય ભારતમાં મહિલાઓની સરેરાશ ઉંમર ૭૪ વર્ષ છે, જ્યારે પુરૂષોની ૭૧ વર્ષ છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *