ઇસ્લામાબાદ
પેશાવરના મસ્જિદમાં થયેલા બ્લાસ્ટને લઈ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે, આ પ્રકારે શ્રદ્ધાળુઓ પર હુમલો તો ભારતમાં પણ નથી થતો. ૩૦ જાન્યુઆરીએ પેશાવરની પોલીસ લાઇનની મસ્જિદમાં ધમાકો થયો હતો. જેમાં ૧૦૦ લોકોનાં મોત થયાં હતાં. જ્યારે ૨૨૧ લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું- ભારત કે ઇઝરાઇલમાં નમાઝ દરમિયાન નમાઝીઓ પર હુમલો નથી થયો, પરંતુ પાકિસ્તાનમાં નમાઝીઓ વચ્ચે બેસેલા એક હુમલાખોરે ખુદને ઉડાવી દીધો. ‘ડોન’ના રિપોર્ટ મુજબ, મંત્રી આસિફે કહ્યું- અમે આતંકવાદનું બીજ વાવ્યું છે. તેની સામે સાથે મળીને લડવું પડશે. હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાન સુધરી જાય. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ મુજબ, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(્્ઁ)એ હુમલાની જવાબદારી લીધી હતી. પેશાવર ખેબર પખ્તૂનખ્વા રાજ્યનું પાટનગર છે. આ વિસ્તારમાં ટીટીપીની મજબૂત પકડ છે અને તાજેતરમાં આ સંગઠને હુમલાની ધમકી આપી હતી.૩૧ જાન્યુઆરીએ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ હુમલાના પીડિતોના પરિવારો પ્રતિ શોક વ્યક્ત કર્યો હતો. બાગચીએ મંગળવારે ટિ્વટર પર એક પોસ્ટમાં કહ્યું- ભારત પેશાવરમાં થયેલા આત્મઘાતી હુમલાની ઘણી નિંદા કરી હતી. ટીટીપીને લઈ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો ખતરનાક બની રહ્યો છે. બન્ને દેશ વચ્ચે ડૂરન્ડ લાઇન પર તમામ એન્ટ્રી અને એગ્ઝિટ પોઇન્ટ બંધ કરી દેવાયા છે. હાલાત એવા છે કે, બે મહિનામાં બંને દેશ વચ્ચે ફાયરિંગમાં લગભગ ૧૬ પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે. પાકિસ્તાન સરકાર હુમલાને લઈ ટીટીપીને જવાબદાર ગણાવે છે. રાણા સનાઉલ્લાહની ધમકીના જવાબમાં તાલિબાનના સીનિયર લીડર અને ઉપ-વડાપ્રધાન અહેમદ યાસિરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો.


