ખંડવા
ઓમકારેશ્વરમાં નર્મદા નદીમાં નાવ પલટી મારી ગઈ છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે, આ હોડીમાં ૬ લોકો સવાર હતા. હાલ એક બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક ગુમ વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે. કલેક્ટર અનૂપ કુમાર સિંહે પ્રાથમિક જાણકારીને આધારે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો ગતો. એસપી સત્યેન્દ્ર કુમાર શુક્લે જણાવ્યુ હતુ કે, ગુજરાતનો પરિવાર હતો અને તીર્થનગરીમાં દર્શન કરવા માટે આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, અચાનક નદીમાં તોફાન આવ્યું હતું અને તેને કારણે બોટ પલટી મારી ગઈ હતી. તેથી તેમાં સવાર એક બાળક સહિત ૬ લોકોનો પરિવાર નદીમાં ડૂબવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પરિવાર ભાવનગરનો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર તરવૈયાઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યુ હતુ અને શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. આ ઘટના સાથે જાેડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં જાેઈ શકાય છે કે, કેટલાક લોકો નદીમાં બચાવવા માટે વલખાં મારી રહ્યા છે. બચાવવા માટે વિનંતી કરી રહ્યા છે. તો નજીકમાં જ પલટી ખાઈ ગયેલી બોટ પણ જાેવા મળી રહી છે. ત્યારબાદ ઘટનાસ્થળે હાજર બોટમેન નદીમાં કૂદ્યો હતો. ભાવનગરના પરિવાર સાથે આવેલા ડ્રાઈવરે કહ્યુ હતુ કે, ‘ભક્તો ગુજરાતના ભાવનગરના રહેવાસી છે. ગુજરાત પહેલાં અમે ઈન્દોર આવ્યા હતા. ત્યારપછી ઉજ્જૈન ગયા અને મહાકાલના દર્શન કર્યા. પછી ઈન્દોર પાછા આવ્યા. સવારે ઈન્દોરથી નીકળીને ઓમકારેશ્વર પહોંચ્યા. ત્યાં મુલાકાત લીધા પછી, બોટ રાઈડ માટે નીકળ્યા હતા.’
