કોટા
રાજસ્થાનના કોટામાં કોચીંગ ક્લાસ બહું પ્રખ્યાત છે જેથી દેશના અનેક શહેરો, રાજ્યોમાંથી લોકો અહીંયા ભણવા આવે છે ત્યારે કોટામાં એક વિદ્યાર્થીનું છઠ્ઠા માળેથી પડી જવાથી મૃત્યુ થઈ ગયું છે. વિદ્યાર્થી પોતાના મિત્રો સાથે બાલકનીમાં બેઠો હતો, જ્યારે તે રૂમમાં જવા ગયો ત્યારે તેનું બેલેન્સ બગડ્યું અને બાલકનીની જાળી તૂટતાં તે નીચે પડી ગયો. મૃતક ઇશાંશુ ભટ્ટાચાર્ય (૨૦) ધુપગુરી, જલપાઈગુડી (પશ્ચિમ બંગાળ)નો રહેવાસી હતો. તે કોટાના જવાહર નગર વિસ્તારમાં રહીને નીટની તૈયારી કરી રહ્યો હતો. શબને મહારાવ ભીમસિંહ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો છે. ઈશાંશુ વાત્સલ્ય રેસિડેન્સી નામની હોસ્ટેલના છઠ્ઠા માળે રહેતો હતો. ગયા વર્ષે ઓગસ્ટ ૨૦૨૨માં હોસ્ટેલમાં રહેવા આવ્યો હતો. ગુરુવારે રાત્રે ૧૧ઃ૧૫ વાગ્યે તે તેના ત્રણ મિત્રો સાથે બાલ્કનીમાં બેસીને વાતો કરી રહ્યો હતો. થોડીવાર પછી ચારેય મિત્રો ઉભા થયા અને રૂમમાં જવા લાગ્યા. આ દરમિયાન ઈશાંશુ ઊભો થયો અને ચપ્પલ પહેરવા લાગ્યો ત્યારબાદ તેનું બેલેન્સ બગડ્યું. બાલ્કનીની જાળી તૂટતાં તે નીચે પડી ગયો. આ દુર્ઘટનાની માહિતી મળતા જ અન્ય વિદ્યાર્થીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીને તલવંડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આટલી ઊંચાઈએથી પડવાને કારણે વિદ્યાર્થીનો ચહેરો બગડી ગયો હતો. પોલીસે તેના પરિવારજનોને જાણ કરી છે. તેમના આવ્યા બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ દુર્ઘટના ૧૦ માળની હોસ્ટેલમાં બની છે. દરેક માળની બાલ્કનીમાં એલ્યુમિનિયમની જાળીઓ લગાવવામાં આવી છે. સાથે જ, બાલ્કનીમાં બેસવા માટે સ્પેસ પણ છે. હોસ્ટેલ સંચાલકોએ અહીં ખૂબ જ ઓછી સ્પેસ આપી છે. જાળીઓ પણ નબળી પડી ગઈ છે. એવામાં તેના તૂટીને પડી જવાનો ભય રહે છે. આ બેદરકારી બાળકના જીવનમાં ભારે પડી ગઈ. મૃતકના મિત્ર અભિષેકે કહ્યું- અમે લોકો બેસીને મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતાં, જેથી થોડું રિલેક્ટ થઈ જવાય. ગેમ પૂરી થયા પછી અમે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતાં. તે પછી અમે રૂમમાં જવા માટે ઊભા થયાં. અમે બાલ્કનીમાંથી ગેટ તરફ આવી ગયાં. આ દરમિયાન ઇશાંશુ અચાનક નીચે પડ્યો. મેં બૂમો પાડી અને હું પણ નીચે ગયો. હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ પણ નીચે આવી ગયાં. ઇશાંશુના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. આમાં કોની ભૂલ છે એ અંગે હું શું કહું. અમારો મિત્ર જતો રહ્યો. દુર્ઘટના પછી તરત ઇશાંશુને લઇને દાદાબાડી સ્થિત પારીક હોસ્પિટલમાં પહોંચ્યાં. ઇશાંશુને સ્ટ્રેચર ઉપર સૂવડાવીને અંદર લઇ જવા લાગ્યાં. પરંતુ ત્યાના સ્ટાફે તેને એડમિટ કરવાની ના પાડી દીધી. સ્ટાફે કહ્યું- આ યુવકનો ઇલાજ અહીં થઈ શકશે નહીં. જાે સમય રહેતાં તેને ત્યાં સારવાર મળી જાત તો તેના જીવતા રહેવાની થોડી શક્યતાઓ હતી. ડેપ્યુટી એસપી અમર સિંહે કહ્યું- સુસાઇડનો મામલો નથી. ઘટનાના સીસીટીવી ફુટેજ પણ છે. જેમાં બાળક અસંતુલિત થઈને નીચે પડતો જાેવા મળી રહ્યો છે.


