National

તુર્કીમાં ભૂકંપના નાશ થયેલી ઇમારતોના બાંધકામ સાથે સંકળાયેલા ૧૩૦ લોકોની ધરપકડ કરી

અંતાક્યા-તુર્કી
દક્ષિણ-પૂર્વ તુર્કી અને ઉત્તર સીરિયામાં વિનાશક ભૂકંપના છ દિવસ પછી પણ કેટલાક જીવતા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે સત્તાધારીઓએ ૧૩૦ લોકોની અટકાયત કરી છે અથવા જે લોકો કથિત રીતે ભૂકંપમાં નાશ પામેલી ઇમારતોના બાંધકામ સાથે સંકળાયેલા હતા તેમની સામે વોરંટ જાહેર કર્યો છે. તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા રવિવારે વધીને ૩૩,૧૭૯ થઈ ગઈ છે. જ્યારે ૯૨,૬૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે બચાવકર્તા છેલ્લા પાંચ દિવસથી કડકડતી ઠંડીમાં સતત કામ કરી રહ્યા છે. તુર્કીના ઉપરાષ્ટ્રપતિ ફુઆત ઓકટેએ શનિવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે, ઈમારતો ધરાશાયી થવા પાછળ જવાબદાર હોવાની શંકા ધરાવતા ૧૩૧ લોકોની અટકાયત માટે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તુર્કીના ન્યાયમંત્રીએ કહ્યુ હતુ કે, ઇમારતો ધરાશાયી થવા માટે જવાબદારોને છોડવામાં નહીં આવે. પ્રોસિક્યુટર્સે બાંધકામમાં વપરાતી સામગ્રી વિશે પુરાવા માટે બિલ્ડિંગના કાટમાળના નમૂનાઓ એકત્ર કરવાનું શરૂ કર્યું છે. રાજ્ય સમાચાર એજન્સી ‘અનાદોલુ’ના સમાચાર અનુસાર અધિકારીઓએ રવિવારે ગાઝિયાંટેપ પ્રાંતમાં બે લોકોની ધરપકડ કરી હતી. તેમના પર એક બિલ્ડિંગમાં વધારાનો રૂમ બનાવવા માટે પિલર કાપ્યો હોવાની આશંકા છે. વિનાશક ભૂકંપના છ દિવસ પછી બચાવકર્તાઓએ ઇમારતોના કાટમાળમાંથી ગર્ભવતી મહિલા અને બે બાળકો સહિત કેટલાક બચી ગયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *