માલદા
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના મુચિયા આંચલ ચંદ્ર મોહન હાઈ સ્કૂલના આઠમા ધોરણમાં બુધવારે એક હથિયારધારી શખ્સ ઘુસી આવ્યો હતો. આ શખ્સે ક્લાસમાં વિદ્યાર્થીઓને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ હડકંપ મચી ગયો હતો. સનકી વ્યક્તિ પાસેથી પોલીસે મહામહેનતે બાળકોને છોડાવ્યા અને તેની ધરપકડ કરી લીધી. જાે કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ સ્કૂલની સામે પ્રદર્શન કર્યા હતા. પ્રદર્શનકારીઓને પોલીસે સમજાવીને શાંત કરાવ્યા હતા. આરોપીની ઓળખાણ દેબ વલ્લભ (૪૦) તરીકે થઈ છે. જાણકારી અનુસાર, મુચિયા આંચલ ચંદ્રમોહન હાઈસ્કૂલમાં શખ્સ અચાનક હાથમાં રિવોલ્વર અને એસિડ બોમ્બની બે બોટલ લઈને ઘુસી આવ્યો હતો. તેણે ક્લાસમાં બાળકોને ડરાવાની કોશિશ કરી હતી. તે હવામાં પિસ્તોલ લહેરાવા લાગ્યો અને બાળકોને ધમકાવવા લાગ્યો હતો. સ્કૂલમાં લગભગ ૧૦૦૦થી વધારે બાળકો ભણે છે. અહીં મોટી દુર્ઘટના થઈ શકતી હતી. પોલીસનું કહેવું છે કે, સ્કૂલમાં ધોરણ આઠમાં ક્લાસમાં ૩૫-૪૦ બાળકો બેઠા હતા. ક્લાસમાં એન્ટર થયા બાદ તેણે જાહેરાત કરી કે, વિદ્યાર્થીઓને બંધક બનાઉ છું. અને દરેક બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી. તેણે જેવી ધમકી આપી કે, બાળકો અને શિક્ષકો ડરી ગયા. તેણે રિવોલ્વર તાણી અને બૂમો પાડવા લાગ્યો હતો. ક્લાસ ટિચર પ્રતિભા મહંતે કહ્યું કે, તે શખ્સ એવો લાગી રહ્યો હતો કે કોઈ બાળકના વાલી હોય. તેણે રિવોલ્વર કાઢી અને મને એક ખૂણામાં બેસી જવા કહ્યું. આ શખ્સની ધરપકડ બાદ સમગ્ર સ્કૂલમાં આખો દિવસ રજા જાહેર કરી દીધી. આ ઘટના પર માલદાના એસપી પ્રદીપ કુમાર યાદવે કહ્યું કે, અમારી પાસે સૂચના આવી છે કે, એક બહારી વ્યક્તિ સ્કૂલમાં ઘુસી આવ્યો છે. બાદમાં ખબર પડી કે, તેની પાસે હથિયાર છે. જાણવા મળ્યું છે કે, તે તેની પત્ની અને બાળકોને લઈને પીડિત છે. જેને લઈને તેણે આવું કર્યું. આરોપીની ઉંમર ૪૦ વર્ષ છે. આરોપીનું કહેવું છે કે, તેનો દીકરો અને તેની પત્ની એક વર્ષથી ગુમ છે. પ્રશાસન પર પ્રેશર બનાવવા માટે તેણે આવું કર્યું હતું. આરોપીના પાડોશીએ જણાવ્યું કે, તે તેની પત્નીથી અલગ રહે છે અને તેનો દીકરો પણ તેની પત્ની સાથે રહે છે.
