ઇમ્ફાલ
બુધવારે ફાટી નીકળેલી હિંસા બાદ મણિપુરમાં સ્થિતિ તંગ બની છે. હિંસાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન મણિપુર હિંસા સંબંધિત ફેક ન્યૂઝને લઈને પણ ભારતીય સેના એલર્ટ મોડ પર જાેવા મળી રહી છે. આ દરમિયાન મણિપુરમાં રેલવે સેવા બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેએ મણિપુર જતી તમામ ટ્રેનોને રોકી દીધી છે. દરમિયાન સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી તસવીરો અને વીડિયોમાં ઘણા વીડિયો ખોટા હોવાની આશંકા છે.આવામાં ભારતીય સેના મણિપુરની સ્થિતિને અસર ન કરે તે માટે સતર્ક દેખાઈ રહી છે.આ માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. જે સત્તાવાર સૂત્રોને ટાંકીને આપવામાં આવી રહી છે. ભારતીય સેના દ્વારા માહિતી આપવામાં આવી છે કે મણિપુર હિંસા અંગે સોશિયલ મીડિયા પર ઘણા ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. જેમાં આસામ રાઈફલ્સ પોસ્ટ પર થયેલા હુમલાનો વીડિયો પણ સામેલ છે. બીજી તરફ મણિપુરમાં હિંસા ભડકાવનારાઓ માટે દેખાતા જ ગોળીબારના આદેશ આપવામાં આવ્યા છે. બુધવારથી ફાટી નીકળેલી હિંસામાં ટોળાએ અનેક ઘરો, દુકાનો અને ધાર્મિક સ્થળોને આગ ચાંપી દીધી હતી. ઇમ્ફાલમાં પણ ધારાસભ્ય પર હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ, આ હુમલો ફિરજાવલ જિલ્લાના થાનલોનથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા વાલ્ટે પર થયો હતો. તેઓ ઈમ્ફાલમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. રાજ્યમાં વધી રહેલા તણાવને જાેતા જવાનોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉ મણિપુરના ૮ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને ઈન્ટરનેટ પણ ૫ દિવસ માટે ઠપ થઈ ગયું છે. ગુરુવારે, હજારો સેના અને અર્ધલશ્કરી દળના જવાનોએ શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે હિંસાગ્રસ્ત શહેરોની ર્નિજન શેરીઓમાંથી કૂચ કરી હતી. બીજી તરફ સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સતત સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતીય સેના અને આસામ રાઈફલ્સના જવાનોએ અત્યાર સુધીમાં આ વિસ્તારોમાંથી ૭૫૦૦થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. આ માટે કેટલાય કલાકો સુધી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે મણિપુરના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બે વખત બેઠક કરી હતી. ગૃહમંત્રી આજે વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે કર્ણાટક જવાના હતા પરંતુ આજે તેઓ જઈ રહ્યા નથી.
