મિરપુર
ભારતીય વિમેન્સ ટીમનો બાંગ્લાદેશ સામે પ્રથમ વન-ડેમાં બેટિંગમાં ધબડકો થતાં બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમે ભારત સામે સૌપ્રથમ વન-ડે જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. વરસાદથી પ્રભાવિત મેચ ૪૪ ઓવરની રમાડવામાં આવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. બાંગ્લાદેશ મહિલા ટીમે ૧૫૨ રન કર્યા હતા. જવાબમાં ભારતીય વિમેન્સ ટીમ ૧૧૩ રનમાં ઓલ આઉટ થઈ જતા ડકવર્થ લુઈસ મેથડના આધેર ૪૦ રને પરાજય થયો હતો. આ સાથે જ બાંગ્લાદેશ વિમેન્સ ટીમે ત્રણ વન-ડેની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી છે. ભારતીય ટીમ માટે બાંગ્લાદેશ સામે વન-ડેમાં પરાજય શરમજનક બાબત છે. અગાઉ ભારતીય મહિલા ટીમનો બાંગ્લાદેશ સામે ટી૨૦માં ૨-૧થી વિજય થયો હતો. ભારતીય ટીમની બેટિંગ કંગાળ રહી હતી. બાંગ્લાદેશની મહિલા ટીમે ૪૩ ઓવરમાં ૧૫૨ રન કર્યા હતા. વરસાદને પગલે ડીએલએસ મેથડના આધારે ભારતીય ટીમને ૧૫૪ રનનો ટારગેટ મળ્યો હતો. અમનજાેત કૌરે સર્વાધિક ચાર વિકેટ ઝડપી હતી જ્યારે દેવિકા વૈદ્યએ બે વિકેટ અને દીપ્તિ શર્માએ એક સફળતા અપાવી હતી. ભારતીય ટીમની બેટિંગ બાંગ્લાદેશ કરતા પણ કંગાળ રહી હતી અને ૩૫.૫ ઓવરમાં સમગ્ર ટીમ ૧૧૩ રનમાં સમેટાઈ જતા ૪૦ રને પરાજય થયો હતો. ભારત તરફથી સૌથી વધુ ૨૦ રન દીપ્તિ શર્માએ નોંધાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મારુફા અખ્તરે ચાર વિકેટ ઝડપી હતી અને રાબીયા ખાતુને ત્રણ નાહિદા અખ્તર તથા સુલ્તાના ખાતે એક-એક વિકેટ ઝડપી હતી. આ પરાજય બાદ ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે જણાવ્યું હતું કે, અમે જવાબદારી લીધી નહતી અને સારી બેટિંગનો અભાવ જાેવા મળ્યો હતો.
