તરૌબા (ત્રિનિદાદ)
વેસ્ટ ઇન્ડિઝના બોલર્સે કમાલ અને ભારતીય બેટિંગનો ધબડકો થતાં ગુરુવારે અહીં રમાયેલી પ્રથમ ટી૨૦ ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝનો ચાર રનથી રોમાંચક વિજય થયો હતો. આ સાથે ટેસ્ટ અને વન-ડે સિરીઝ હાર્યા બાદ કેરેબિયન ટીમે પાંચ મેચની ટી૨૦ સિરીઝનો વિજયી પ્રારંભ કરીને ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. અહીં રમાયેલી પ્રથમ ટી૨૦માં વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધા બાદ ૨૦ ઓવરને અંતે છ વિકેટે ૧૪૯ રનનો સ્કોર નોધાવ્યો હતો. જેના જવાબમાં ભારતે ૨૦ ઓવરમાં નવ વિકેટના ભોગે ૧૪૫ રન કર્યા હતા. આમ પાંચ મેચની વર્તમાન સિરીઝમાં વિન્ડિઝ ટીમ હાલમાં ૧-૦ની સરસાઈ પર આવી ગઈ છે. ૧૫૦ રનના લક્ષ્યાંક સામે રમતી ભારતીય ટીમ માટે બે યુવાન ઓપનર શુભમન ગિલ અને ઇશાન કિશને ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો પરંતુ બંને મોટો સ્કોર રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સ્પિનર અકીલ હુસૈનના એક ફ્લાઇટેડ બોલને રમવામાં થાપ ખાઈ જતાં ગિલ સ્ટમ્પ થયો હતો જ્યારે મેકોયની બોલિંગમાં ઇશાન કિશન મિડ ઓન પર કેચ આપી બેઠો હતો. બંનેએ અનુક્રમે છ અને ત્રણ રન નોંધાવ્યા હતા. પહેલી જ ટી૨૦ રમી રહેલા તિલક વર્માએ આક્રમક પ્રારંભ કર્યો હતો. તેણે તેની કારકિર્દીના પ્રથમ બે શોટમાં સિક્સર ફટકારીને ખાતું ખોલાવ્યું હતું. વર્મા અને સૂર્યકુમાર યાદવે ટીમનો સ્કોર ૨૮થી ૬૭ સુધી પહોંચાડ્યો ત્યારે સૂર્યકુમાર યાદવ ૨૧ રનના અંગત સ્કોરે આઉટ થઈ ગયો હતો. તેણે બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ તિલક વર્મા પણ લાંબું ટકી શક્યો ન હતો અને ૨૨ બોલમાં ૩૯ રન ફટકારીને શેફર્ડની બોલિંગમાં આઉટ થયો હતો. તેણે ત્રણ સિક્સર ફટકારી હતી. આવી જ રીતે હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન પણ ઉપરા ઉપરી આઉટ થઈ ગયા હતા. અંતિમ ઓવર્સમાં અક્ષર પટેલ પાસેથી આશા રખાતી હતી પરંતુ ૧૯મી ઓવરમાં તે ૧૩ રનના અંગત સ્કોરે આઉટ થયો હતો. વેસ્ટ ઇન્ડિઝ માટે જેસન હોલ્ડર, શેફર્ડ અને ઓબેદ મેકોયે બે બે વિકેટ લીધી હતી. અગાઉ વેસ્ટ ઇન્ડિઝે ઝડપી પ્રારંભ તો કર્યો હતો પરંતુ ભારતે ઉપરા ઉપરી બોલિંગ પરિવર્તન કર્યા તેમાં હાર્દિક પંડ્યાને લાભ થયો અને યુઝવેન્દ્ર ચહલે તેની પહેલી જ ઓવરમાં બે વિકેટ ખેરવી દીધી હતી. તેણે પાંચમી ઓવરના પહેલા બોલે કાયલ માયર્સને લેગબિફોર કર્યો હતો. જાેકે રિપ્લેમાં તે આઉટ જણાતો ન હતો પરંતુ વેસ્ટ ઇન્ડિઝે તેનો રીવ્યૂ લીધો ન હતો જ્યારે ઓવરના ત્રીજા બોલે બ્રેન્ડન કિંગ લેગબિફોર થયો હતો. આ વખતે કેરેબિયન ટીમે રિવ્યૂ લીધો હતો જે નિષ્ફળ રહ્યો હતો. બ્રેન્ડન કિંગે આક્રમક પ્રારંભ કર્યો હતો અને ૧૯ બોલમાં ચાર ચોગ્ગા અને એક સિકસર સાથે ૨૮ રન ફટકારી દીધા હતા. કિંગ બાદ જ્હોન્સન ચાર્લ્સ પણ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ રમવા આવેલા નિકોલસ પૂરને તાજેતરમાં એમપીએલનું તેનું ઉત્કૃષ્ટ ફોર્મ જાળવી રાખીને ઝંઝાવાતી બેટિંગ કરી હતી. તેણે અક્ષર પટેલ અને ચહલની બોલિંગમાં ઉંચા શોટ ફટકાર્યા હતા. પૂરન અને કેપ્ટન રોવમેન પોવેલે ટીમનો સ્કોર ત્રણ વિકેટે ૫૮થી ૯૬ સુધી પહોંચાડી દીધો હતો. આ તબક્કે ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા ફરીથી બોલિંગમાં આવ્યો હતો અને તેણે પૂરનને આઉટ કરી દીધો હતો. ડાબોડી કેરેબિયન બેટ્સમેને ૩૪ બોલમાં બે સિક્સર સાથે ૪૧ રન ફટકાર્યા હતા. જાેકે વેસ્ટ ઇન્ડિઝ માટે કેપ્ટન રોવમેન પોવેલે સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. તેણે અંત ભાગમાં શાનદાર બેટિંગ કરીને વેસ્ટ ઇન્ડિઝને ૧૫૦ રનનો ટારગેટ આપવામાં મદદ કરી હતી. પોવેલે ૧૯મી ઓવરમાં અર્શદીપની બોલિંગમાં આઉટ થતાં અગાઉ ૩૨ બોલમાં ૪૮ રન ફટકાર્યા હતા જેમાં ત્રણ સિક્સરનો સમાવેશ થતો હતો. પેલ અને હેતમાયરે ૩૮ રન ઉમેર્યા હતા જેમાં હેતમાયરનું યોગદાન માત્ર દસ રનનું રહ્યું હતું. ભારત માટે અર્શદીપ મોંઘો પુરવાર થયો હતો કેમ કે તેણે ૧૯મી ઓવરમાં જ ચાર વાઇડ બોલ આપી દીધા હતા જેને કારણે ભારત નિયત સમયમાં ૨૦ ઓવર પૂરી કરી શક્યું ન હતું અને અંતિમ ઓવરમાં તેને ફરજિયાતપણે એક ફિલ્ડર ૩૦ યાર્ડના સર્કલની અંદર રાખવો પડ્યો હતો. જાેકે અર્શદીપ અને ચહલે બે બે વિકેટ લીધી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે હવે સિરીઝની બીજી ટી૨૦ છઠ્ઠી ઓગસ્ટે ગુયાનામાં રમાશે.


