નૂહ
હરિયાણાના નૂહ જિલ્લામાં ફરી એકવાર ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ ર્નિણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૨૮ ઓગસ્ટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફરીથી બ્રિજ મંડળ યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. જાેકે, વહીવટીતંત્ર પાસેથી પરવાનગી મળી શકી નથી. તાજેતરમાં નૂહ પ્રશાસન તરફથી યાત્રાને મોકૂફ રાખવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હિંદુ સંગઠનો ફરીથી શોભા યાત્રા કાઢવા પર અડગ છે. આ કારણે નૂહના ડેપ્યુટી કમિશનરે ગઈકાલે ગૃહ વિભાગને પત્ર લખીને નૂહમાં ઈન્ટરનેટ સેવા અને બલ્ક મેસેજીસ બંધ કરવાની ભલામણ કરી હતી, જે બાદ આજે હરિયાણાના ગૃહ સચિવ દ્વારા ૨૬ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ૩૧ જુલાઈએ હિંદુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી બ્રિજ મંડળ યાત્રા દરમિયાન હિંસક અથડામણ થઈ હતી, જેમાં ૬ લોકો માર્યા ગયા હતા. આ અંગે પોલીસની ધરપકડની કાર્યવાહી સતત ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૨૯૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
