પાલનપુર
બિપરજાેય વાવાઝોડા બાદ તેની અસર ગુજરાત પર જાેવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યુ છે. બનાસકાંઠાના તમામ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. પાલનપુરમાં છેલ્લા છ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમીરગઢમાં પોણા ત્રણ ઈંચ, ધાનેરા, દાંતા અને દાંતીવાડામાં અઢી-અઢી ઈંચ ખાબક્યો છે. જ્યારે વાવ, થરાદ, દિયોદર અને વડગામમાં બે-બે ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે પાલનપુર-આબુ હાઈવે બંધ કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે પાલનપુરનો ગણેશપુરા અને આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો છે. નિચાણ વાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જ્યારે પાલનપુર હાઈવે પર ગઠામણ પાટિયા પાસે દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. વરસાદી તોફાનને કારણે કેટલીક દુકાનોના સેડના પતરાઓ ઉડી ગયા છે. વીજપોલ અને ટેલીફોન પોલ પણ તુટી પડ્યા છે. બસ સ્ટેશન પાસે સર્વોદય સોસાયટીના રસ્તા પર વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ થયો છે. થરાદ ડીસા હાઇવે, રેફરલ ચાર રસ્તા, ટેલીફોન એક્સચેન્જ પાસે અને બસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે જનજીવન પર અસર જાેવા મળી રહી છે. રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં નવાં નીર આવ્યાં છે. આબુરોડ સુધી બનાસ નદીનાં નીર પહોંચ્યાં છે. જ્યારે પાલનપુર-અંબાજી હાઇવે પર પાણી ભરાતાં વાહનચાલકો અટવાયા છે. એટલું જ નહીં થરાદની સોમનાથ સોસાયટીમાં ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાતાં ઘરવખરીનો સામાન પલળી ગયો છે. જ્યારે જિલ્લાના અનેક નાના માર્ગો નાના વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે.
