ગોલ
ગોલ ખાતે પાકિસ્તાન સામે પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં યજમાના શ્રીલંકાની પ્રથમ દાવમાં ચાર વિકેટ ૫૪ રન સાથે ખરાબ શરૂઆત રહ્યા બાદ ડિસિલ્વાની લડતની મદદથી વાપસી શક્ય બની હતી. વરસાદને પગલે પ્રથમ દિવસે ૬૫.૪ ઓવરની રમત શક્ય બની હતી અને સ્ટમ્પ્સ સુધીમાં શ્રીલંકાનો સ્કોર છ વિકેટે ૨૪૨ રહ્યો હતો. ધનંજય ડિસિલ્વર ૯૪ રને રમતમાં હતો. પ્રથમ દિવસની ઓવરની ઘટને ભરપાઈ કરવા માટે બીજા દિવસે મેચ વહેલી શરૂ કરવમાં આવશે. પાકિસ્તાનના મોખરાના ઝડપી બોલર શાહિન શાહ આફ્રિદીને ઘૂંટણની ઈજા થયા બાદ ગત જુલાઈથી તે એકપણ ટેસ્ટ મેચ રમી શક્યો નહતો. તેણે શાનદાર કમબેક કરતા ગૉલ ખાતે શરૂઆતના સ્પેલમાં જ શ્રીલંકાના ટોચના ક્રમના બેટ્સમેનોની વિકેટ ઝડપી હતી. આફ્રિદીએ નિશાન મધુસ્કા (૪), દિમુથ કરુણારત્ને (૨૯) અને કુસાલ મેન્ડિસ (૧૨)ની વિકેટ ખેરવી હતી. નસીમ, અબરાર અને અઘા સલમાને એક-એક વિકેટ મેળવી હતી. આફ્રિદીએ મધુસ્કાની પ્રથમ વિકેટ મેળવતા તે ૧૦૦ વિકેટની સિદ્ધિ મેળવનાર ૧૯મો પાકિસ્તાની બોલર બન્યો હતો. આ સાથે જ આ ઉપલબ્ધિ મેળવનાર ચોથો ઝડપી પાક. બોલર પણ રહ્યો હતો. શ્રીલંકાના વાઈસ કેપ્ટન ડિસિલ્વાએ એન્જેલો મેથ્યુઝ (૬૪) સાથે ૧૩૧ રનની પાંચમી વિકેટન પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ તેણે સમર વિક્રમા (૩૬) સાથે છઠ્ઠી વિકેટ માટે ૫૭ રનની ભાગીદારી કરી હતી. સમર વિક્રમા દિવસની અંતિમ ઓવરમાં આઉટ થતાં શ્રીલંકાને છઠ્ઠો ફટકો પડ્યો હતો.


