થાણે
અંબરનાથમાં ફોરેન કરન્સી ટ્રેડિંગમાં રોકાણને બહાને મહિલા સાથે રૂ. ૧૦ લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી. મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી (આઇટી) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અંબરનાથ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર જુલાઇ, ૨૦૨૧માં વ્હૉટ્સઍપ પર ઇન્ટરનેશનલ કરન્સી અંગેનો મેસેજ આવ્યો હતો. આરોપીએ પોતાની ઓળખ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના મેનેજર તરીકે આપી હતી. આરોપી બાદમાં મહિલાના સંપર્કમાં રહ્યો હતો.આરોપીએ ઇન્ટરનેશનલ કરન્સી ટ્રેડિંગમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી હતી, જેને પગલે મહિલાએ જુલાઇ અને નવેમ્બર, ૨૦૨૧ વચ્ચે રૂ. ૧૦.૪૯ લાખનું રોકાણ કર્યું હતું. મહિલાને બાદમાં કંપનીની ઍપ અંગે જાણ કરવામાં આવી હતી, જ્યાં તેને પોતાનું રોકાણ નજરે પડ્યું નહોતું અને તે નાની રકમ પણ કાઢી શકી નહોતી. થોડા સમય બાદ તેને પૈસા મળતાં બંધ થઇ ગયા હતા. દરમિયાન મહિલાના મેસેજના જવાબ આપવાનું આરોપીએ બંધ કરી દીધું હતું અને પોતે જે કંપનીનો માલિક હોવાનો આરોપીએ દાવો કર્યો હતો એ કંપની અસ્તિત્વમાં ન હોવાનું મહિલાને જાણવા મળ્યું હતું.
