દહેરાદુન
ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ૨૨ એપ્રિલે ખોલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થઈ હતી. આ પછી ૨૫મી એપ્રિલે કેદારનાથ ધામ અને ૨૭મી એપ્રિલે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની સાથે જ ઉત્તરાખંડના ચારેય ધામોની યાત્રાનો વિધિવત પ્રારંભ થયો હતો. ખરાબ હવામાનના કારણે ચારધામ યાત્રાને લઈને વહીવટીતંત્રની તમામ વ્યવસ્થાઓ ઠપ થઈ હતી. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે, કેદારનાથ અને અન્ય ધામોમાં હિમવર્ષા અને ભારે વરસાદને કારણે શ્રદ્ધાળુઓને અલગ-અલગ સ્થળોએ રોકી દીધા હતા. જ્યારે વહીવટીતંત્રે કેદારનાથ ધામ જતા લગભગ ૧૦ હજાર શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થાનો પર રોકી દીધા હતા. યાત્રાળુઓને સોનપ્રયાગથી ઉપર જવાની મંજૂરી નથી. રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે જણાવ્યું કે, કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષાના કારણે તીર્થયાત્રીઓને કેદારનાથ જતા અટકાવવામાં આવ્યા છે. કેદારનાથ જતા તિલવાડાથી ફાટા સુધી લગભગ ત્રણ હજાર, સીતાપુરથી સોનપ્રયાગ સુધી છ હજાર અને ગૌરીકુંડમાં લગભગ એક હજાર શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા છે. સોમવારે લગભગ છ હજાર શ્રદ્ધાળુઓને કેદારનાથ મોકલવામાં આવ્યા હતા. હવામાન ખરાબ થતાં શ્રદ્ધાળુઓને કેદારનાથ ધામ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવામાન સારુ થયા બાદ જ યાત્રાળુઓને કેદારનાથ ધામ મોકલવામાં આવશે. પોલીસ પ્રશાસને ગંગોત્રી અને યમુનોત્રી ધામ માટે નવી ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરી છે. જે અંતર્ગત હવે યાત્રાળુઓ બંને ધામમાં મંદિરના દર્શન માત્ર રાત્રીના આઠ વાગ્યા સુધી જ કરી શકશે. બીજી તરફ બદ્રીનાથમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં યાત્રા નવ કલાક સુધી રોકી દેવામાં આવી હતી. જેના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે દસ કલાક સુધી બ્લોક થઈ ગયો હતો. બીજી તરફ બગડતા હવામાનને જાેતા રાજ્ય સરકારે યાત્રાળુઓની સુરક્ષા માટે રાજ્યના ત્રણ વરિષ્ઠ સચિવોની એક સમિતિની રચના કરી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોની સાથે ચાર ધામમાં ૫ મે સુધી હિમવર્ષા અને વરસાદની ચેતવણી આપી છે. રાજ્ય સરકારને ચારધામ યાત્રાએ જતા યાત્રિકોની સંખ્યા મર્યાદિત કરવા અને યાત્રાળુઓને સુરક્ષિત સ્થળોએ રોકવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એલર્ટ રહેવા જણાવ્યું છે. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે રાજ્ય સરકારે ચારધામ યાત્રા માટે આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા વ્યવસ્થા કરી છે.કેદારનાથ ધામમાં છેલ્લા ૨૦ દિવસથી સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. બદરી-કેદાર મંદિર સમિતિની કેદારનાથ ધામ શાખાના એક્ઝિક્યુટિવ ઓફિસર રમેશ ચંદ્ર તિવારી કહે છે કે છેલ્લા બે દિવસથી કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે વાતાવરણ ખૂબ ઠંડુ થઈ ગયું છે. વરસાદ અને હિમવર્ષા વચ્ચે સોમવારે લગભગ નવ હજાર અને મંગળવારે લગભગ ૧૨ હજાર શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કર્યા. ૨૫ એપ્રિલે કેદારનાથ ધામના દ્વાર ખુલ્યા બાદથી અત્યાર સુધીમાં આઠ દિવસમાં એક લાખ એક હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે. જ્યારે અત્યાર સુધીમાં ચાર ધામના ચાર લાખથી વધુ યાત્રિકોએ દર્શન કર્યા છે.


