Gujarat

 આઝાદીની શરુઆતી લડતનાં લડવૈયા શહીદ બીરસા મુંડાની આજરોજ જન્મ જયંતિ ધામ ધૂમ પૂર્વક ઉજવાશે

આજે ૧૫ મી નવેમ્બર મહાન ક્રાંતિકારી શહિદ બિરસા મુંડા જન્મ જયંતિ, ૧૫ નવેમ્બર ૧૯૮૦ માં જે તે વખતના બિહાર નાં રાંચી ખાતે ઉજવવામાં આવી હતી, ત્યાર પછી દર વર્ષે ક્રાન્તિસૂર્ય બિરસા મુંડા જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે, યુવાનોમાં  બિરસા મુંડાના ક્રાન્તિકારી વિચારોએ  ધીરે ધીરે સ્થાન લઈ રહ્યા છે તેમજ સામાજિક જાગૃતિ અને સામાજિક ચેતના ના કારણે કેટલાક વર્ષોથી ગામ તાલુકે જિલ્લે અને હાલ તો રાજ્ય કક્ષાના તથા રાષ્ટ્રીય કક્ષાએ પણ મહાન ક્રાંતિકારીસૂર્ય બિરસા મુંડા જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે.  અને ઠેર ઠેર ૧૫ મી નવેમ્બર નાં કાર્યક્રમો હોવાથી લોકો મુખ્ય કાર્યકમો માં હાજરી આપી શકે તે માટે નાના નાના ગામો ટાઉન માં બિરસા મુંડા જન્મ જયંતિ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી રહી છે.  જે એક સામાજિક જાગૃતિ અને સામાજિક ચેતના નું પરીણામ કહીં શકાય જેઓની જન્મ જયંતિ આજરોજ છોટાઉદેપુર જિલ્લા આદિવાસી સમાજ ધમધુમથી ઉજવશે.
બિરસા મુંડા ઝારખંડના  ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ભારત ના મહાન ક્રાંતિકારી હતા.
તેમનો જન્મ ૧૫ નવેમ્બર ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીક ખૂંટી જિલ્લાના ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો અને શાહુકારો દ્વારા કરવામાં આવેલી ‌સમાજની બુરી દશા માટે વિચારતું રહેતું હતું.
એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.
ઓક્ટોબર ૧, ૧૮૯૪ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. ૧૮૯૫ના વર્ષમાં એમને ગિરફતાર કરી, હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે વર્ષની કેદની સજા ભોગવવા રાખ્યા. પરંતુ બિરસા અને એમના શિષ્યોએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાની નાની વય દરમ્યાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. ધરતી ના રક્ષક એવા બિરસાને તેમના વિસ્તારના લોકો “ધરતી આબા” નામથી સંબોધન કરતા હતા, આબા એટલે મુંડારી ભાષામાં રક્ષક તેવો થાય છે,  અને એમના પ્રભાવની વૃધ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી.
બોક્સ :
આ ઉપરાંત ભારતદેશના લશ્કરની એક પાંખ ભુમિદળની એક મહત્વની રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટના સૈનિકોના નારા(war cry) તરીકે  બિરસા મુંડા કી જય એમ નાદ કરવામાં આવે છે. બિરસા મુંડાની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતા તરફથી  ૧૫ નવેમ્બર ૧૯૮૮ના દિને ૬૦ પૈસા મૂલ્ય ધરાવતી, ૩.૫૫ સે.મી. લંબાઇ તેમ જ ૨.૫ સે.મી. પહોળાઇ ધરાવતી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. આમ શહીદ બિરસા મુંડા માત્ર આદિવાસી સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે શહીદી વ્હોરી હતી.તેમ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ ના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે
રિપોર્ટર રેહાન પટેલ છોટા ઉદેપુર