સાવલીના કલ્યાણપુરા અને ઇન્દ્રાડ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 4.50 લાખનો દેશી દારૂ અને વોશ પકડ્યો હતો. જ્યારે એકની ધરપકડ અને 6ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાવલીના કલ્યાણપુરા ગામે અને વિશ્વામિત્રીના કિનારે સીમ વિસ્તારમાં મોટાપાયે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે, તેવી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી.
જેને પગલે ખાનગી વાહનમાં દુમાડ ચાર રસ્તા પાસેથી ટીમ કલ્યાણપુરા પહોંચી હતી. જ્યાં ગામની શાળાની પાછળ ખુલ્લી જગ્યામાં રાકેશ ઠાકોર અને તેના ભાઈ ગિરીશ ઠાકોરની દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હતી. રાકેશ ઠાકોરની ધરપકડ કરી દેશી દારૂનો જથ્થો પકડ્યો હતો. ઉપરાંત પિલોલથી નદીની સામે ઇન્દ્રાડમાં અન્ય 3 ભઠ્ઠી ચાલતી હોવાનું જાણવા મળતાં દરોડા પાડતાં આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
મોનિટરિંગ સેલે રાકેશ ઠાકોર (કલ્યાણપુરા, રામદેવપીર મંદિરની સામે,તા.સાવલી), ગિરીશ ઠાકોર, ગોપાલ ઠાકોર, મનહર ઠાકોર, વનરાજ ઠાકોર, રમેશ ઠાકોર (તમામ કલ્યાણપુર ગામ) સામે ગુનો દાખલ કર્યો હતો. રાકેશની ધરપકડ કરી અન્યને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે 1.11 લાખનો દેશી દારૂ અને કાચો વોશ સહિત રૂા.4.50 લાખના જથ્થાનો નાશ કર્યો હતો. પોલીસે કુલ 5.81 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

