ખટોદરાના કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગની વિધિ વખતે ફોલ સીલિંગ તૂટી પડતા 11 લોકોને ઈજા પહોંચી હતી.
ઉધના હરીનગર પાસે શક્તિનગરમાં રહેતા ધિરજભાઈ અશોકભાઈ પાટીલની ભાણેજ જાગૃતિના રવિવારે ખટોદરા કોમ્યુનિટી હોલમાં લગ્ન હતા. રવિવારે બપોરે હોલમાં લગ્નની વિધી ચાલી રહી હતી. દરમ્યાન અચાનક ફોલ સીલિંગનો ભાગ તૂટી પડતા ભાગદોડ મચી ગઇ હતી.
આ બનાવમાં હોલમાં હાજર મહેમાનો પર સીલિંગનો ભાગ પડતા મહિલાઓ સહિત 11 વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી. 3 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર બાદ રજા પણ આપી દેવાઇ હતી.
સદ્નસીબે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફોલ સીલિંગનો અન્ય 20 ફૂટ જેટલો જોખમી ભાગ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

