Gujarat

નવસારી, વલસાડ અને તાપીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા; જિલ્લાના ૧૧૫ માર્ગ ધોવાયા

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યારે નવસારી, વલસાડ અને તાપી સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ અવિરત વરસ્યો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં તાપી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેમાં ઝાખરી, વ્યારા, વાલોડ સહિતના અનેક વિસ્તારોમા ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે ઝાખરી અને વાલ્મિકી નદીએ રૌદ્ધ રૂપ ધારણ કર્યું છે.
નવસારીમાં ભારે વરસાદને કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે.

આ ઉપરાંત અડદા ગામમાં પાંચ લોકો ફસાઈ જતાં ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. નદીઓની જળ સપાટીમાં વધારો થતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. પૂર્ણા નદીની જળસપાટી ભયજનક સપાટી કરતાં ઉપર જતાં પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા હતા. ઘરો તથા અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. જ્યારે નવસારીના ભેંસદ ખાડા વિસ્તારના ઘરોમાં પાણી ભરાતાં ૧૫૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

તેમજ તાપીમાં પણ ભારેથી અતિભારે વરસાદને પગલે વ્યારાના માર્ગ પર, વાલોડના પ્રસિદ્ધ ગણપતિના મંદિર, એસજી હાઈસ્કૂલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તાપીમાં ભારે વરસાદી પરિસ્થિતિમાં પાણીના પ્રવાહમાં ઢોર ઢાંખર તણાયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ધોધમાર વરસાદથી છીડિયા ગામ, પેરવડ ગામ અને કાંજણ ગામની પંચાયતમાં પાણી ભરાયા છે.