અમદાવાદમાંથી બે વર્ષમાં એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 1120.45 કિલો જેટલું ડ્રગ અને કફ સીરપની 6,916 બોટલો જપ્ત કરાઈ છે. જેની કુલ કિંમત 3,791.19 કરોડનો છે. આ એનડીપીએસના કેસોમાં કુલ 138 આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે.
તે ઉપરાંત આ વર્ષના એપ્રિલ મહિના સુધી 225.84 કિલો ડ્રગ્સ પકડાયું છે, જેની કુલ કિંમત 60.74 કરોડની છે. ગુજરાત પોલીસે જાહેર કરેલ આંકડાઓ અનુસાર, સૌથી વધુ 375.81 કિલોનું મેફેડ્રોન પકડાયું છે અને સૌથી ઓછી માત્રામાં કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ કે જે 0.590 ગ્રામ પકડાયું છે. જેની કિંમત લગભગ 3 કરોડની છે.
ડ્રગ્સનો કારોબાર કરનારા 138ની ધરપકડ કરાઈ
અમદાવાદમાં જાન્યુઆરી 2022થી અને એપ્રિલ 2024 સુધી એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાંથી કુલ 375.81 કિલોનું મેફેડ્રોન ડ્રગ જપ્ત કરાયું છે. જેની કિંમત અંદાજે 1610 કરોડ છે.
આમાં કુલ 63 આરોપીઓની પણ ધરપકડ કરાઈ હતી. ડ્રગ્સના કારોબાર બદલ કુલ 138 આરોપીની ધરપકડ થઈ હતી. જેમાં ઓગસ્ટ 2022માં એટીએસ અમદાવાદ દ્વારા 6 આરોપીઓ પકડાયા હતા. જેમની પાસેથી 225 કિલોનું મેફેડ્રોન પકડાયું હતું.
જેની કુલ કિંમત 1125 કરોડની હતી. કફસીરપની કુલ 6,916 બોટલો પકડાઈ છે. જેની કુલ કિંમત 12 લાખ રૂપિયા છે. તેની સાથે 9 આરોપીઓની પણ ધરપકડ થઈ છે.
હેરોઈનની વધુ હેરાફેરી
અમદાવાદમાં હેરોઈન પણ મોટા પ્રમાણમાં પકડાયું છે. જાન્યુઆરી 2022થી અને એપ્રિલ 2024 સુધી કુલ 338.93 કિલો હેરોઈન પકડાયું છે. જેની કિંમત 1756 કરોડની છે. આની સાથે કુલ 39 આરોપીની પણ ધરપકડ થઈ છે.
એપ્રિલ 2022માં કુલ 56 કિલો, જૂનમાં 48 કિલો, જુલાઈમાં 75 કિલો, સપ્ટેમ્બરમાં 39 કિલો, ઓક્ટોબરમાં 50 કિલો અને ડિસેમ્બરમાં 40 કિલો હેરોઈન પકડાયું છે. જ્યારે 2023માં 30.66 કિલો હેરોઈન પકડાયું છે, જેની કિંમત 214.62 કરોડની છે.
દોઢ વર્ષમાં 394 કિલો ગાંજો અને 338 કિલો હેરોઈન પકડાયા

