Gujarat

ગાંધીનગર કોર્પોરેશનમાં મિલકત વેરો નહીં ભરનારી 14 મિલકતોને સીલ, રૂ.2.18 કરોડનો વેરો નહીં ભરનારી 64 મિલકત સામે કાર્યવાહીની શરૂઆત

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 639 બાકીદારોને રૂ.67.33 કરોડનો મિલકતવેરો ભરપાઈ કરવા માટે દિવાળી અગાઉ આખરી નોટિસ આપવામાં આવી હતી. અગાઉ બે નોટિસને નહીં ગણકારનારા મિલકતધારકો દ્વારા બાકી વેરો ભરવામાં ન આવે તો સીલ મારવાની ચીમકી આ નોટિસમાં અપાઈ હતી. તહેવારો પૂરા થયા બાદ મનપા તંત્ર દ્વારા આકરી વસૂલાત માટે સીલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ત્રણેય ઝોનમાં કુલ 14 મિલકતને સીલ મારવામાં આવ્યા છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, કુલ 639 બાકીદારો સામે તબક્કાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલના તબક્કે રૂ.2.18 કરોડનો વેરો નહીં ભરનારી 64 મિલકતોની યાદી બનાવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બુધવારે ઉત્તર ઝોનના જીઆઈડીસી વિસ્તારમાં 20 મિલકતોને વોરંટ આપવામાં આવ્યા હતા.

જેમની પાસેથી રૂ.27.96 લાખ લેણું નીકળે છે. રૂ.4.50 લાખનો ટેક્સ નહીં ભરનારી બે મિલકતોને કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યા હતા. મધ્ય ઝોનમાં સેકટર-8થી 24માં ત્રણ મિલકતો પાસેથી રૂ.4.76 લાખ વસૂલવાના બાકી હોવાથી મ્યુનિ. દ્વારા ત્રણ મિલકતધારકોને વોરંટ આપવામાં આવ્યું છે.

દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 39 મિલકતો પાસેથી રૂ.1.66 કરોડની વસૂલાત બાકી છે. \જ્યારે દક્ષિણ ઝોનમાં મુખ્યત્વે ઈન્ફોસિટી ખાતે આવેલી 12 દુકાન-ઓફિસને સીલ મારવામાં આવ્યા હતા. આ મિલકતધારકો પાસેથી રૂ.59.77 લાખ વસૂલવાના બાકી છે.