Gujarat

સરકારના આદેશથી મંદિર, મસ્જિદ, દેરીનાં દબાણો તોડી પાડવા કવાયત, કુલ 394 દબાણો, 158ને નોટિસ

રસ્તા ટ્રાફિકને નડતરરૂપ ધાર્મિક દબાણો અંગે હાઇકોર્ટનું કડક વલણ છે ત્યારે સરકાર દ્વારા થયેલી બેઠકમાં ધાર્મિક દબાણો દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી. તાજેતરમાં તમામ મહાપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો, જિલ્લા વહીવટી તંત્રને પત્ર પાઠવ્યા હોવાથી સુરત પાલિકાના કમિશનરે સુડા ભવન ખાતે શુક્રવારે ઝોનલ ચીફ, એક્ઝિક્યુટિવ ઇજનેરો, તમામ ડેપ્યુટી કમિશનરો, ટાઉન પ્લાનિંગ અને શહેર વિકાસ ખાતા સહિતના વિભાગીય અધિકારીઓની મીટિંગ યોજી હતી.

જેમાં ધાર્મિક દબાણો પૈકી 4 મુદ્દામાં કેટલાં દબાણો રેગ્યુલાઈઝ થઈ શકે, કેટલાં રિલોકેટ થઈ શકે, કેટલાં રિ-સાઇઝ થઈ શકે તથા રસ્તા પર ટ્રાફિકને નડતરરૂપ હોય તેવાં દબાણોને નોટિસ આપવા માટે સૂચના આપવામાં આવી હતી. પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલમાં શહેરમાં કુલ 394 ધાર્મિક દબાણો આઇડેન્ટિફાય કરી દેવાયાં છે.

આ પૈકી હાલમાં નાનાં હોય અને મેજર ઇમ્પેક્ટ ન આવે, મોટા વિવાદો નહીં થાય તેનું ધ્યાન રાખીને દબાણો દૂર કરવા માટે તમામ ઝોન દ્વારા નોટિસો આપવામાં આવી રહી છે. 9 ઝોનમાંથી ઉધના-બી ઝોન (કનકપુર)ને બાદ કરતાં બાકીના 8 ઝોન દ્વારા 158 મંદિરો, દેરી, મસ્જિદો, દરગાહોને દૂર કરવા માટે નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. મહત્ત્વની બાબત એ છે કે, તમામ ધાર્મિક દબાણોને અન્ય ગેરકાયદે બાંધકામ પ્રમાણે ટ્રીટ નહીં કરીને વાતાઘાટ તથા કો-ઓર્ડિનેશન કરીને નિવેડો લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.