ગાંધીનગર રેન્જ વિસ્તારમાં છેલ્લા દોઢેક વર્ષથી ટુ વ્હીલર વાહનોની ચોરી કરીને સ્થાનિક પોલીસની ઉંઘ હરામ કરી નાખનાર માણસા તાલુકાના લોદરા ગામની ગેંગનો પર્દાફાશ કરી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે 7 લાખ 30 હજારની કિંમતના વાહનો જપ્ત કરી ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠાનાં 22 ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. ગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીએ ગાંધીનગર જિલ્લા હદ વિસ્તારમાં ફોર વ્હીલર અને ટુ વ્હીલરની થતી ચોરીઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચનાઓ અપાવવામાં આવી હતી.
જે અન્વયે એલસીબી પીઆઈ ડી બી વાળાની ટીમ માણસા પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન મળેલી બાતમીનાં આધારે લોદરા ગામના પાટીયા પાસેથી નવદીપસિંહ અશોકસિંહ રાઠોડ (રહે- હાલ- સી/ઓફ રશીક પટેલના મકાનમાં, ગામ- એનાસર, અમદાવાદ મુળ રહે – બાલા હનુમાન, ગામ- લોદરા), પુરમસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ (રહે- પટેલ નિવાસ, ગામ- લોદરા) તેમજ વિરેન્દ્રસિંહ ઉર્ફે વિશાલ ઉર્ફે જમ્પીંગ ગોપાલસિંહ રાઠોડ (રહે- ગામ- લોદરા, બાલા હનુમાન માર્કેટ યાર્ડ) ચોરીના બે બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવાયા હતા. જેઓની વૈજ્ઞાનિક ઢબે પૂછતાંછ કરતાં તેઓ છેલ્લા દોઢેક વર્ષથી ટુ વ્હીલરની ચોરીને અંજામ હોવાની કબૂલાત કરી હતી.
આ અંગે પીઆઈ વાળાએ કહ્યું કે,
આ ગેંગ ખાસ કરી સરકારી કચેરી, દવાખાના અને કોમ્પ્લેક્ષના પાકીંગ તેમજ તહેવાર દરમિયાન એકઠા થતા લોકો દ્રારા કરવામાં આવતુ પાકીંગને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતા હતા. ચોરી કરેલ ટુ વ્હીલર પોતાના પરીચીતોને તથા તેઓની મારફ્તે મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકાના હિરપુરા ગામ અને આસપાસ ગામડામાં તથા લોદરા ગામની આસપાસના ગામોમાં બાઇક વેચી મારતા હતા. બાઈક વેચાણ કરતી વખતે જે રકમ નક્કી કરે તે કિંમતની અડધી કિંમત પ્રથમ વસુલતા અને બાકીની રકમ કાગળો આપેથી રકમ આપવાની બાહેધરી આપી ચોરીના બાઇકનો નિકાલ કરી દેતા હતા.
આ ઉપરાંત સિવાય તેમની પરીચીત બીજી ગેંગના સભ્યો આકાશ બારોટ અને તરૂણ રાવળ, નિલેષ પટેલ દ્રારા ચોરી કરીને લાવતા ટુ વ્હીલર પણ આ રીતે વેચાણ કરતા હોવાનું તપાસમાં ખુલવા પામેલ છે. હાલમાં રૂ. 7.30 લાખના વાહનો રિકવર કરીને 22 ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.

