Gujarat

લાલપુરમાં સમસ્ત ગાગિયા (આહીર) પરિવાર દ્વારા એક સાથે 251 લોટી ઉત્સવ યોજાશે

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખાયડી ગામે ગોવાણા ચોક પાસે જામનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ દેશ વિદેશમાં વસતા સમસ્ત ગાગીયા (આહીર પરિવાર) દ્વારા યોજાનાર ઐતિહાસિક સામૂહિક લોટી ઉત્સવ પ્રસંગની તડામાર તૈયારીઓ આખરી તબક્કામાં છે. ભોજન સમારંભથી માંડી મંડપ સર્વિસ, લાઈવ ડેકોરેશન અને સ્ટેજ તેમજ યજ્ઞ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ગાગીયા પરિવારના યુવા અગ્રણી બિલ્ડર ભાવેશભાઈ ગાગીયા (બાદશાહ ભાઈ), જિલ્લા પંચાયતના સદસ્ય અને બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન કેબી ગાગીયા, ઉદ્યોગકાર રાજુભાઈ ગાગિયા અને તેની ટીમ તેમજ સમસ્ત ગાગીયા પરિવારના યુવાનો, વડીલો, માતાઓ બહેનો દ્વારા આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે અને ઉત્સાહથી અને અનેરા ધાર્મિક વાતાવરણ વચ્ચે ઐતિહાસિક ધાર્મિક પ્રસંગની ભાવસભર પૂર્ણહિતી થાય તે માટે તમામ ગાગીયા પરિવારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હિન્દુ સંસ્કૃતિમાં લોટી ઉત્સવનું અનેરુ મહત્વ રહેલું છે. એમાંય ખાસ સૌરાષ્ટ્રમાં લોટી ઉત્સવ એટલે ઘરે પ્રભુ પધાર્યા હોય તેવો માહોલ સર્જાતો હોય છે. જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં એક આવો જ ઉત્સવ યોજાવવા જઈ રહ્યો છે કે જે ઐતિહાસિક બની જશે, કારણ કે ગાગીયા પરિવારના તમામ કુટુંબીજનો દ્વારા સામૂહિક લોટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

લગભગ અઢીસો ઉપરાંત લોટીઓ એક જ સમિયાણાં માં ખોલી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ જે દિવસના ઇતિહાસની સૌથી મોટી ધાર્મિક પ્રસંગ બની રહેશે, આ પ્રસંગની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ વિદેશમાં વસતા ગાગીયા પરિવારના તમામ કુટુંબીજનોને આ ઉત્સવમાં જોડાવા સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.