Gujarat

ફતેગંજમાં પિઝાના આઉટલેટની બહાર ભેદી આગ, 26 ટુ વ્હીલર સળગી ગયાં

ફતેગંજ નરહરી હોસ્પિટલની પાસે મુખ્ય માર્ગ પર ડોમિનોઝ પિઝા આઉટલેટ બહાર પાર્ક કરાયેલાં ડિલિવરી બોયની ઇલેક્ટ્રિક અને પેટ્રોલથી ચાલતાં 26 ટુ વ્હીલરમાં આગ લાગતાં દોડધામ મચી હતી.

મળસ્કે 4 વાગે લાગેલી આગથી આઉટલેટમાં પણ થોડું નુકસાન થયું છે. આઉટલેટની બહાર વીજી ડીપી હોવાથી તેમાં થયેલા તણખાથી આગ લાગી કે અન્ય કોઈ કારણ તે તપાસનો વિષય બન્યો છે.

બીજી તરફ ફાયરબ્રિગેડને જાણ થતાં સ્થળે દોડી ગયેલા લાશ્કરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. ડોમિનોઝ પિઝાના મેનેજર સહેબાઝ ચક્કાએ કહ્યું કે, આગ ડીપીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે લાગી હતી અને તેના તણખા ઇલેક્ટ્રિક બાઈક ઉપર પડ્યા હતા.

જો આગ વધારે પ્રસરી હોત તો બાજુમાં આવેલી બેંક અને અન્ય દુકાનો સુધી પહોંચતાં મોટા નુકસાનની ભીતિ સેવાઈ હતી. જોકે આગ વધુ પ્રસરે તે પહેલાં જ કાબૂમાં લેવામાં આવી હતી.