જામનગરમાં ચાંદીપુરા અને કોલેરાના રોગનું પ્રમાણ ધીમા પગલે વધી રહ્યું છે. આજે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ બે દર્દીઓ અને કોલેરાના ત્રણ દર્દીઓ સારવાર માટે દાખલ થયા છે. જામનગરની માત્ર 9 માસની બાળકીને ચાંદીપુરા રોગના લક્ષણો જોવા મળતા તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના 13 વર્ષના એક બાળકને પણ તાવની બીમારીને કારણે અને શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર માટે જામનગરની જી. જી હોસ્પટલમાં દાખલ કવામાં આવ્યો છે. જામનગર શહેર-જિલ્લામાં જીવલેણ ચાંદીપુરાના શંકાસ્પદ કેસો સમયાંતરે નોંધાઈ રહ્યા છે.
જે દરમિયાન આજે જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારની માત્ર 9 માસની બાળકીને ચાંદીપુરા જેવ જીવલેણ રોગ ના લક્ષણો જોવા મળતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, અને તેના જરૂરી નમૂના લેવાયા છે અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રિપોર્ટ આગામી ત્રણેક દિવસમાં મળી શકે છે આ ઉપરાંત મીઠાપુરના 13 વર્ષના બાળકને પણ ચાંદીપુરાના લક્ષણ જોવા મળતા તેને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેના પણ જરૂરી નમુના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
જામનગરમાં કોલેરા નું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે અને સમયાંતરે નવા નવા કેસો નોંધાઈ રહ્યા છે. આજે ત્રણ દર્દીઓને ઝાડા ઉલટી થઈ જતા તેમને કોલેરા ની સારવાર માટે જામનગર ની જી જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ શહેર જિલ્લા ના આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી આનુસંગિક કામગીરી હાથ ધરવામા આવી રહી છે.

