Gujarat

મોરબીમાં રફાળેશ્વર તથા નીચી માંડલમાં ૩ યુવાનોએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી

મોરબી શહેર, તાલુકામાં આપઘાત, અપમૃત્યુના પાંચ બનાવમાં પાંચના મોત થયા હતા. મોરબી, રફાળેશ્વર તથા નીચી માંડલ ગામે ૩ યુવાનોએ ગળાફાંસો ખાઇ લેતા મોત થયા હતા. જ્યારે જાંબુડિયા ગામે ગેસની લાઇન ફાટતા તરૂણીનું મોત થયું હતું. પીપળી ગામે પડી જતા સગીરાએ જીવ ગુમાવ્યો હતો. મોરબીના ઘૂટું રોડ પર સીમ્પોલો સિરામિકમાં રહેતા ગોપાલભાઈ સોહાનભાઈ ઘાસી એ શોભેશ્વર રોડ પર આવેલ લેન્ડવૂડ સિરામિક સામે લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

જુના જાંબુડિયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા દેવાંશીબેન રામસિંગભાઈ રાઠવા પોતાના ઘરે રસોઈ બનાવતી હતી ત્યારે ગેસની લાઈન ફાટતા ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન સગીરાનું મોત થયું હતું. મૂળ ઉત્તરપ્રદેશના વતની બબીતાદેવી અરવિંદકુમાર મોરબીના પીપળી ગામે બાથરૂમ બહાર પડી જતા ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન મોત થયું હતું.

મચ્છોનગર ખાતે રહેતા વિરમભાઈ દેવશીભાઈ વાંસફોડીયા એ મચ્છોનગરમાં મંદિર નજીક ઇલેક્ટ્રિક થાંભલાની લોખંડની એન્ગલ સાથે લટકી જઈને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન બાળપણથી ધૂની મગજનો તામસી અને સ્વછંદી સ્વભાવનો હોવાથી પોતાના મનનું ધાર્યું કરતો હતો અને એકલવાયું જીવન જીવવા માટે પત્ની સાથે પરિવારના સભ્યો નાં પાડવા છતાં પત્નીને છૂટાછેડા આપી બાદમાં પરિવાર સાથે કોઈ વ્યવહાર રાખ્યો ના હતો.

પોતે એકલવાયું જીવન છેલ્લા પાંચેક વર્ષથી જીવતો હતો અને એકલા જીવનથી કંટાળી માનસિક આઘાતમાં સરી પડતા અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે. મોરબી તાલુકાના નીચી માંડલ નજીક આવેલ નોકેન વિટ્રીફાઈડ ફેકટરીમાં કામ કરતા વીરેન્દ્ર અતરસિંગ ચૌધરી નામના યુવાને પોતાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.