ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં અનેક પ્રાચીન શિવ મંદિરો આવેલા છે. જેમાં ખંભાળીયાથી 25 કિલોમીટર દૂર દ્વારકા રોડ પરનું દાત્રાણા ગામની સીમમાં આવેલું દતેશ્વર મહાદેવનું મંદિર અનોખું છે.દાત્રાણાના વિપ્ર અગ્રણી મુકેશભાઈએ જણાવ્યુ કે, અમારા વડવાઓના કહેવા પ્રમાણે આ પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત અતિ પ્રાચીન સ્વંયભુ મહાદેવ દતેશ્વર 3500 વર્ષથી વધુ જૂનું ગણાય છે.
મંદિરની રચના સારા ચોઘડિયા હોય ત્યારે જ બાંધકામ થતું અને ખરાબ ચોઘડિયામાં બાંધકામ ના થતું, અતિ પ્રાચીન મંદિર હોવાના પુરાવા રૂપે મંદિરના પ્રદક્ષિણા પથ પર અત્યંત પ્રાચીન મૂર્તિઓ પણ આવેલી છે. મંદિરની બાજુમાં જ દંતાશેઠે બનાવેલી દંગાવાવ છે. દ્વારકા જતા યાત્રિકો માટે આ શેઠે અનેક વાવ પગથિયાંવાળી બનાવી છે. આ દંતાવાવ અડાલજની વાવની મીની પ્રતિકૃતિ રૂપ જોવા લાયક છે.
નજીકમાં આવી ચાર વાવ આવેલી છે. શ્રાવણ માસમાં અહીં ભાવિકો પૂજા દર્શન તથા રૂદ્રી, યજ્ઞ માટે ઉમટે છે. અહીં પર 52 ગજની ધજા પણ વિશાળ સ્તભ બનાવીને ચડાવાય છે. પ્રતિ માસની શિવરાત્રી તથા મહાશિવરાત્રી બારે માસ અહીં ચાર પ્રહરની આરતી વિપ્રો દ્વારા થાય છે. આ વર્ષે શ્રાવણ માસમાં સવા લાખ બિલ્વપત્ર ચડાવવા આયોજન મુકેશભાઈ તથા અન્યો દ્વારા થયું છે.
દાત્રાણા ગામની મહિલા મંડળ દ્વારા તાજેતરમાં બાવન ગજ ધજા તથા બ્રહ્મ બટુક ભોજન થયું હતું. પ્રત્યેક શ્રાવણી સોમવારે નૂતન ધ્વજારોહણ બાવન ગજની ધજાનું થાય છે. જેના નામ પરથી વિક્રમ સંવતની સાલ ચાલે છે. તે વિક્રમ રાજા પણ અહીં દર્શન કરવા આવી ગયેલા છે.

