ગણેશચતુર્થીનો આ તહેવારની સૌકોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. આ તહેવારને દર વર્ષે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈમાં ઊજવાતો ગણપતિ ઉત્સવ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
મુંબઈમાં ગણપતિની મૂર્તિઓ પોતાનામાં અજોડ છે. મુંબઈના GSB સેવા મંડળની સ્થાપિત બાપ્પાની પ્રતિમા વિશે દર વર્ષે ચર્ચા થાય છે. ગૌર સારસ્વત બ્રાહ્મણ મંડળ, એટલે કે GSB મંડળના ગણપતિને સૌથી ધનિક ગણપતિનો દરજ્જો મળ્યો છે. ગત વખતે બાપ્પાની મૂર્તિને 66 કિલો સોના અને 295 કિલો ચાંદીથી શણગારવામાં આવી હતી.
આ વખતે બાપ્પાની મૂર્તિને 69 કિલો સોનાના આભૂષણો અને લગભગ 336 કિલો ચાંદીનાં ઘરેણાંથી શણગારવામાં આવશે. આ વખતે GSB મંડળે ગણપતિ પંડાલનો 400.8 કરોડ રૂપિયાનો વીમો ઉતાર્યો છે.
પંડાલને સંપૂર્ણ રીતે ફાયર પ્રૂફ બનાવવામાં આવી રહ્યો છે અને એમાં એન્ટ્રી QR કોડથી થશે. આ વખતે બાપ્પાનાં દર્શન 5 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે ઉત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે.

