શહેરમાં વિશ્વામિત્રીના પૂરે કહેર વર્તાવ્યો. પૂરના પાણી ઉતર્યા બાદ પૂરમાં ડૂબેલી 50 હજાર કારને નુકસાન પહોંચ્યું છે. શોરૂમ સંચાલકોએ ત્રણ મહિના કાર રીપેર કરી પરત નહીં આપી શકાય તેમ જણાવતા લોકો ખાનગી ગેરેજ અને શહેર બહારના ગેરેજમાં કાર મોકલતા થયા છે.
ત્યારે બીજી તરફ રાજ્ય સરકારના આદેશને પગલે વડોદરા આરટીઓ દ્વારા શુક્રવારે શહેરના ડીલરોની મીટીંગ બોલાવી તેમને ગાડી ઝડપથી રીપેર કરી આપવા તેમજ સર્વેયરને જલદી સરવે પૂર્ણ કરવા જણાવ્યું હતું.
મિટિંગમાં ડીલરોએ પ્રશ્નો રજૂ કરતા આરટીઓ પણ ચોકી ઉઠ્યા હતા. ઓટોમેટીક કારના એક કારના લાખો રૂપિયાના પાર્ટ્સ કંપની પાસે પણ અવેલેબલ ન હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી.
બીજી તરફ નાગરિકો વારંવાર ફોન કરીને વર્કશોપના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરતા હોવાનું ડીલરોએ જણાવ્યું હતું. જેને પગલે આરટીઓએ નાગરિકોને સંયમ જાળવવા અને સહયોગ આપવા અપીલ કરી છે. તમામ પ્રયત્નો છતાં 10,000 કાર દિવાળી સુધી રીપેર થાય તેમ નથી.

